એક પ્રસંગ : એક મોટી કાર બજારમાં આવીને ઊભી રહી. મોબાઈલમાં વાત કરવામાં વ્યસ્ત મેડમે પોતાની દીકરીને કહ્યું, ‘‘જા, જઈને પેલી શાકવાળીને પૂછ. એક કિલો બટાટાના કેટલા પૈસા?’’ નાનકડી છોકરી ગાડીમાંથી ઊતરીને પૂછ્યું, ‘‘એ શાકવાળી, એક કિલો બટાટાના કેટલા પૈસા?’’ શાકવાળીએ પ્રેમથી કહ્યું, ‘‘૪૦ રૂપિયે કિલો બેબીજી.’’ બેબી તો એક કિલો બટાટા લઇ ૧૦૦ની નોટ શાકવાળી તરફ ફેંકી કારમાં બેસી ગઈ અને કાર ચાલુ થઇ ગઈ. મમ્મી હજી મોબાઈલમાં વાત જ કરી રહી હતી. આ બાજુ શાકવાળી, ‘‘બેબીજી, તમારા પૈસા …’’એમ બૂમ પાડતી જ રહી ગઈ. શાકવાળીએ તરત પોતાની બાજુમાં ભણતી દીકરીને કહ્યું, ‘‘જા જલ્દી દોડીને પેલી કાર સિગ્નલ પાસે જ હશે, પૈસા આપી આવ.’’
નાનકડી છોકરી હાથમાં ૬૦ રૂપિયા લઈને દોડી અને સિગ્નલમાં ઊભેલી કાર પાસે જઈને બારીના કાચ પર ઠક ઠક કરી…પેલા મેડમે તેને ભિખારી સમજી હડધૂત કરતાં કહ્યું, ‘‘દૂર જા…’’ પેલી છોકરીએ ફરી કાચ ખટખટાવ્યો અને પેલા મેડમે તેને ખીજવા કાચ ખોલ્યો એટલે તેણે તરત કહ્યું, ‘‘આન્ટીજી, આ લો તમારા ૬૦ રૂપિયા. તમારી દીકરી છુટ્ટા પૈસા પાછા લેવાનું ભૂલી ગઈ હતી.’’ કારમાં બેઠેલાં મેડમ બોલ્યાં, ‘‘વાંધો નહિ તું રાખી લે ..’’ પેલી છોકરીએ કહ્યું, ‘‘ના, ના, આન્ટી મારી મમ્મીએ તમને આપવા કહ્યું છે એટલે તમે આ લઇ લો અને તમારો આભાર કે તમે અમારે ત્યાં શાક લેવા આવ્યાં. આમ જ આવતાં રહેજો.’’ એટલું કહી ૬૦ રૂપિયા આપી તે પાછી ફરી ગઈ.
આ એક અનોખા વિરોધાભાસથી ભરેલો નાનકડો પ્રસંગ, જેમાં પોતાને ભણેલા ગણેલા માનનારા, અમીર, કારમાં ફરનારા, હાઈ સોસાયટીના સભ્ય ગણાતાં મોમ અને ડોટરની અસંસ્કારિતા, તેમનાં વર્તન, બોલચાલની અશિષ્ટ ભાષા, છોકરીને ભિખારી સમજવાની સમજ બધાને સામેવાળાને પોતાનાથી તુચ્છ માની લેવાની વૃત્તિમાંથી છલકાય છે અને રસ્તામાં પર વેચી, મહેનત કરી કમાતા, ગરીબ સમાજના નીચલા વર્ગના ગણાતાં, મા દીકરીના સંસ્કારોની અમીરી તેમની પ્રેમાળ ભાષા, ઈમાનદાર વર્તનમાંથી છલકાય છે. એક માતા પોતાના વર્તનથી પોતાની દીકરીમાં શિષ્ટાચાર, ઈમાનદારી, મોટાનું માન જાળવવાની રીત જેવા સાચા સંસ્કારનું સિંચન કરી રહી હતી અને બીજી માતા પોતાના વર્તનથી જાણે અજાણે પોતાની દીકરીના મનમાં અમીર –ગરીબ અને મોટા નાના, અશિષ્ટતાનાં બીજ વાવી રહી હતી.