ગ્રીનલેન્ડ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ ને વધુ આક્રમક બની રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો બધું તેમની મરજી મુજબ નહીં થાય, તો અમેરિકા ગ્રીનલેન્ડ પર બળજબરીથી કબજો કરી લેશે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી યુરોપમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે, એટલું જ નહીં, પણ વિશ્વના સૌથી મોટા લશ્કરી જોડાણ નાટોના ભવિષ્ય અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ મુદ્દા પર યુરોપિયન યુનિયનના સંરક્ષણ કમિશનર એન્ડ્રેસ કુબિલિયસે ચેતવણી આપી છે કે જો અમેરિકા લશ્કરી બળ દ્વારા ગ્રીનલેન્ડ પર કબજો કરશે, તો તે નાટોનો અંત હશે.
ગ્રીનલેન્ડે પોતે પણ સ્પષ્ટ કર્યું છે કે તેની સુરક્ષા કોઈ એક દેશ પર છોડી દેવી જોઈએ નહીં, પરંતુ નાટોના સામુહિક સુરક્ષા માળખામાં હોવી જોઈએ. ચીને પણ કડક વલણ અપનાવ્યું છે અને કહ્યું છે કે અમેરિકાએ પોતાનાં હિતોને પૂરાં કરવા માટે અન્ય દેશોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તો મોટો પ્રશ્ન એ છે કે જો નાટોનો સૌથી શક્તિશાળી સભ્ય બીજા સભ્ય પર હુમલો કરવાની ધમકી આપે તો નાટોનું ભવિષ્ય શું હશે? નાટોનો મૃત્યુઘંટ સંભળાઈ રહ્યો છે.
ગ્રીનલેન્ડ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. આબોહવા પરિવર્તને નવા શિપિંગ માર્ગો ખોલ્યા છે અને લશ્કરી હિલચાલને સરળ બનાવી છે. આના કારણે વિશ્વનાં મુખ્ય રાષ્ટ્રોમાં આ પ્રદેશ માટે સ્પર્ધા વધી છે. ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે ઉત્તર અમેરિકા અને યુરોપ વચ્ચે સ્થિત છે. તે ડેનમાર્કનો ભાગ છે પરંતુ ૨૦૦૯ થી સ્વશાસિત છે. આબોહવા પરિવર્તનને કારણે બરફ પીગળી રહ્યો છે જેના કારણે ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજો, તેલ અને ગેસના ભંડાર ખુલ્લા પડી રહ્યા છે.
આર્કટિક સર્કલમાં સ્થિત ગ્રીનલેન્ડ ઉત્તરીય સમુદ્રી માર્ગનો એક ભાગ છે, જે એશિયા અને યુરોપ વચ્ચેના વેપારને ટૂંકાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે ગ્રીનલેન્ડ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક છે કારણ કે તે રશિયા અને ચીનની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે. પત્રકારો સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગ્રીનલેન્ડનું ભૌગોલિક સ્થાન અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે. હાલના લશ્કરી કરારો અમેરિકા માટે પૂરતા નથી.
હવે એવા સમાચાર આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડનાં લોકોને રોકડ રકમ ઓફર કરવા જઈ રહ્યા છે, જેથી તેઓ ગ્રીનલેન્ડને ડેનમાર્ક છોડીને અમેરિકાનો ભાગ બનાવવા માટે સંમત થાય. અમેરિકા ગ્રીનલેન્ડનાં રહેવાસીઓને પ્રતિ વ્યક્તિ ૧૦ હજાર ડોલરથી એક લાખ ડોલર સુધીની રોકડ મદદ આપવાની યોજના બનાવી રહ્યું છે. ગ્રીનલેન્ડ હાલમાં ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે, જેની વસ્તી આશરે ૫૭,૦૦૦ છે. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પની રોકડ રકમની ઓફર હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે.
જો અમલમાં મૂકવામાં આવે તો તે અમેરિકના માત્ર ૬ અબજ ડોલરનો ખર્ચ કરીને ગ્રીનલેન્ડ ખરીદી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની આ યોજનાની માહિતી સામે આવ્યા પછી ડેનમાર્ક અને તેના સાથી દેશોનો તણાવ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનાં નિવેદનોથી સમયાંતરે જે દેશોને નિશાન બનાવી રહ્યા છે ત્યાં ભય વ્યાપી ગયો છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્ક દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રીનલેન્ડના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક પાસે છે અને તેમાં અમેરિકન દખલગીરી યોગ્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પ તેવું માનતા નથી.
નાટો અથવા નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન ૧૯૪૯ માં સ્થાપિત થયું હતું. તેનો મૂળ હેતુ શીત યુદ્ધ દરમિયાન સોવિયેત યુનિયન સામે સામુહિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. નાટોમાં ૩૨ દેશોનો સમાવેશ થાય છે અને તેનો સૌથી મહત્ત્વપૂર્ણ પાયો કલમ ૫ છે. આ કલમ હેઠળ એક સભ્ય પરનો હુમલો બધા પરનો હુમલો માનવામાં આવે છે. ગ્રીનલેન્ડ ડેનિશ પ્રદેશમાં એક અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે. ઓછી વસ્તી હોવા છતાં, આ ટાપુ ખૂબ જ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ગ્રીનલેન્ડ આર્કટિક ક્ષેત્રમાં સ્થિત છે, જ્યાં નવા દરિયાઈ માર્ગો ઝડપથી ખૂલી રહ્યા છે.
આ પ્રદેશ ખનિજ સંસાધનોથી સમૃદ્ધ માનવામાં આવે છે અને અમેરિકાએ પહેલાંથી જ ત્યાં લશ્કરી હાજરી જાળવી રાખેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દલીલ કરે છે કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર નિયંત્રણ નહીં રાખે તો રશિયા કે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે. જો કે, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ બંનેએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ ન તો વેચાણ માટે છે અને ન તો દબાણ હેઠળ તેને સોંપવામાં આવશે. જો અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે ટક્કર થાય છે, તો કલમ ૫ લાગુ કરી શકાતી નથી, કારણ કે આ માટે બધા સભ્યોની સર્વસંમતિ જરૂરી છે અને અમેરિકા પોતે પણ આનો એક પક્ષ હશે.
આને નાટોની સૌથી મોટી નબળાઈ માનવામાં આવે છે. તે તેના પોતાના સભ્યો વચ્ચેના સંઘર્ષોનો સામનો કરવાનો સ્પષ્ટ માર્ગ પ્રદાન કરતું નથી. જો ડેનમાર્કને લાગે કે તેની સાર્વભૌમત્વ અથવા પ્રાદેશિક અખંડિતતા જોખમમાં છે, તો તેને નાટોના કલમ ૪ હેઠળ કટોકટીની બેઠક બોલાવવાનો વિકલ્પ છે. જો કે, આ કલમ હેઠળ આપમેળે લશ્કરી કાર્યવાહી ફરજિયાત બનતી નથી, પરંતુ તેનો હેતુ ફક્ત રાજકીય દબાણ લાવવાનો છે. નિષ્ણાતો માને છે કે આવી પરિસ્થિતિ નાટોમાં આંતરિક વિભાજન તરફ દોરી શકે છે.
આ પરિસ્થિતિ ૨૦૦૩ ના ઇરાક યુદ્ધ જેવી હોઈ શકે છે, જ્યારે કેટલાક દેશો અમેરિકાની સાથે ઊભા હતા અને કેટલાક તેની વિરુદ્ધમાં હતા. ફરક એટલો જ હશે કે આ વખતે અમેરિકા કોઈ વિદેશી દેશને નહીં, પણ નાટો સભ્યને નિશાન બનાવશે. આ જ કારણ છે કે આ પડકારને નાટોના અસ્તિત્વ માટે અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ માનવામાં આવી રહ્યું છે. અમેરિકા નાટોનું સૌથી શક્તિશાળી સભ્ય છે. તે સંરક્ષણ પર સૌથી વધુ ખર્ચ કરે છે, સૌથી વધુ સૈનિકો અને શસ્ત્રો ધરાવે છે અને નાટોનું લશ્કરી કમાન્ડ પરંપરાગત રીતે અમેરિકન જનરલ પાસે રહ્યું છે.
જો અમેરિકા આક્રમણ કરે છે અથવા કોઈ અલગ રસ્તો પસંદ કરે છે, તો નાટો ખૂબ જ નબળું પડી જશે અને યુરોપને પોતાની સુરક્ષાની જવાબદારી પોતાના ખભા પર લેવી પડશે. ગ્રીનલેન્ડનો મુદ્દો ફક્ત જમીનના ટુકડાનો મુદ્દો નથી. તે આંતરરાષ્ટ્રીય કાયદા, રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને નાટોના આત્માનો પ્રશ્ન બની ગયો છે. જો અમેરિકા દબાણ અથવા બળનો આશરો લે છે, તો નાટો એક સંગઠન તરીકે ટકી શકે છે, પરંતુ તેના પર રહેલો પરસ્પર વિશ્વાસ તૂટી શકે છે. આ જ કારણ છે કે ગ્રીનલેન્ડ, ડેનમાર્ક, યુરોપ અને ચીન જેવા દેશો પણ આ વિવાદને ફક્ત એક ટાપુના મુદ્દા તરીકે જ નહીં પરંતુ વૈશ્વિક વ્યવસ્થાની એક મોટી કસોટી તરીકે જોઈ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ કિંમતે ગ્રીનલેન્ડને પોતાની સાથે જોડવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં પગલાં સ્પષ્ટ કરે છે કે પૈસા હોય કે બળ, અમેરિકા ગ્રીનલેન્ડ પર પોતાનું શાસન સ્થાપિત ન કરે ત્યાં સુધી શાંત નહીં રહે. હવે પ્રશ્ન એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ કિંમતે ગ્રીનલેન્ડને પોતાની સાથે જોડવા કેમ માંગે છે? તેમને શેનો ડર છે? ડોનાલ્ડ ટ્રમ્પને ગ્રીનલેન્ડમાં ચીન અને રશિયાની સંડોવણીનો ડર છે. આ જ કારણે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ગ્રીનલેન્ડ પર પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે અને કહ્યું છે કે જો અમેરિકા ટાપુનો કબજો નહીં લે તો રશિયા કે ચીન બંનેમાંથી કોઈ એક કરશે. જો અમેરિકા ગ્રીનલેન્ડનો કબજો નહીં લે, તો તે અમેરિકન સુરક્ષા માટે ખતરો હશે.
ગ્રીનલેન્ડની આસપાસ દરેક જગ્યાએ રશિયન યુદ્ધજહાજો, ચીની યુદ્ધ જહાજો અને રશિયન સબમરીન હાજર હોય છે. અમેરિકા ગ્રીનલેન્ડને લશ્કરી અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ માને છે. ગ્રીનલેન્ડનો થુલે બેઝ મિસાઇલ સંરક્ષણ અને અવકાશ દેખરેખ પૂરી પાડે છે. ભૂરાજકીય રીતે ગ્રીનલેન્ડ નાટોનો ભાગ છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ યુરોપિયન સાથીઓથી અસંતુષ્ટ છે. તેમણે આરોપ લગાવ્યો છે કે નાટોના દેશો મળીને ગ્રીનલેન્ડનું રક્ષણ કરી રહ્યા નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.