સુરત: ઓલપાડ પ્રાંતમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન ફરજ બજાવનાર અને સામાજિક કલ્યાણની દિશામાં નોંધપાત્ર કામગીરી કરનાર હિતિષાબેનના આપઘાતની ઘટના સામે આવતા સમગ્ર મહેસૂલી તંત્રમાં શોક અને હડકંપ મચી ગયો છે. ગઈકાલે હિતિષાબેન પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. તેમના આ અચાનક અને દુઃખદ અવસાનથી અધિકારી વર્ગ સહિત સર્વત્ર દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.
- ઓલપાડમાં વિધવા સહાય અને અંત્યોદય કાર્ડ માટે ઐતિહાસિક કામગીરી કરી માટે યાદ
- હળપતિ સમાજની 6000થી વધુ વિધવા બહેનોને અરજી કર્યા વગર જ વિધવા સહાય મંજૂર કરી હતી
હિતિષાબેન જ્યારે ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે હળપતિ સમાજની ૬૦૦૦થી વધુ વિધવા બહેનોને અરજી કર્યા વગર જ વિધવા સહાય મંજૂર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર સહાય મંજૂર કરવી જ નહીં, પરંતુ આ તમામ લાભાર્થી બહેનોને કાયમી ધોરણે અંત્યોદય રેશનકાર્ડ અપાવવા તેમજ પોસ્ટ ઓફિસમાં ખાતાં સ્થળ પર જ ખોલાવી આપવા માટે તેમણે પોતાની ટીમ સાથે મળીને અસરકારક અને માનવસેવી કામગીરી કરી હતી.
આવી હકારાત્મક અને જનહિતલક્ષી ટીમ એફર્ટના પરિણામે ઓલપાડ પ્રાંતને તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં “ગોલ્ડન બુક ઓફ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યો હતો. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પ્રાંતને આ પ્રકારનું સન્માન મળ્યું હોવાનું કહેવાય છે, જે ઓલપાડ માટે ગૌરવની બાબત બની હતી. આવી કર્મઠ, સંવેદનશીલ અને કાર્યદક્ષ અધિકારી હિતિષાબેનના મૃત્યુની ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
તેઓએ આવું આત્યાંતિક પગલું કેમ ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. ઘટનાની જાણ થતા સંબંધિત તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હિતિષાબેનની સેવાઓ અને તેમની સામાજિક પ્રતિબદ્ધતા આજે સૌ યાદ કરી રહ્યા છે. જનહિત માટે સતત કાર્યરત રહેનાર અધિકારીના આ અણધાર્યા અવસાનથી મહેસૂલી વિભાગે એક નિષ્ઠાવાન કર્મયોગી ગુમાવ્યો હોવાનું સહકર્મીઓ અને અધિકારીઓ કહી રહ્યા છે.