Comments

જો જો તમારું ગળું ના કપાય,જો જો કોઈનું ગળું ના કપાય!

“દુનિયા આખીમાં પતંગ ચગાવવામાં આવે છે, માત્ર ગુજરાતમાં બીજાની કાપવા ચગાવાય છે”.- આમ તો આ વાત ગમ્મત માટે અને ગુજરાતની ઉત્તરાયણ માટે વિશિષ્ટતા બતાવવા માટે કહી શકાય તેમ છે પણ પતંગના પેચ અને બીજાનો પતંગ કાપવામાં હવે ગુજરાતી વાહન ચાલકોનાં ગળાં કપાવા લાગ્યાં છે. ચાઈનીસ દોરીની ચર્ચા ચારે તરફ છે પણ વાસ્તવમાં બીજાનો પતંગ કાપવા માટે દોરીને સરેસ અને કાચના ભૂકાથી પાકી કરવામાં આવે છે તે જ ગળાને આડી બ્લેડની જેમ કાપે છે.

ગુજરાતમાં છેલ્લાં વીસ વર્ષથી ઉત્તરાયણ સમયે પતંગની દોરીથી વાહનચાલકના ગળાં કાપવાની ઘટનાઓ બને છે. લગભગ સો થી વધુ લોકો આ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે પણ પતંગની દોરથી પક્ષીઓ ઘાયલ થાય છે અને તેની વાત ચિંતા અને સારવારની વ્યવસ્થા કે અભિયાન ચલાવાય છે તેવું કશું માણસોને બચાવવા માટે થતું નથી. માણસોએ તો જાતે જ બચવું પડશે. આમ તો કહેવાય છે કે અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી પણગુજરાતના બાઈક ચાલક આટલાં વર્ષોના અનુભવ અને પતંગની દોરીથી ગળાં કપાયાંના સમાચાર જોયા પછી પણ ઉત્તરાયણના સમયમાં વાહન ધીમે નથી ચલાવતાં.

વળી આ સમય દરમિયાન વાહનમાં બાળકને બેસાડવાનું થાય તો આગળ ન બેસાડવું. બાળકનાં અંગો કોમલ હોય છે અને પતંગનો તીક્ષ્ણ દોરો તેમને વધારે ઘાયલ કરે છે માટે ઉત્તરાયણના સમય દરમ્યાન બાળકોને એકટીવા કે બાઈક પર આગળ બેસાડવાં નહીં. ગળામાં મફલર ઉપરાંત કંઈક એવું રાખવું જે દોરાને રોકી શકે. આમ તો તમામ વાહનચાલકો માટે હેલ્મેટ ફરજીયાત છે પણ શહેરીજનો તે પહેરતાં નથી. તો ઉત્તરાયણના સમયમાં હેલ્મેટ પહેરવાનું રાખો, જીવ બચશે. ઠંડી સામે પણ રક્ષણ મળશે. આમ તો આપણે સૌએ હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે દુનિયાની જેમ માત્ર પતંગને ચગાવવામાં આનંદ લઇ શકીએ કે નહીં? જો પેચ કાપવાનું પડતું મૂકીએ તો સાદી દોરીથી પતંગ ચગાવી શકાય અને તો દર વર્ષે અનેક ગળાં કપાતાં રોકી શકાય.

દુનિયામાં માત્ર પતંગ ચગાવાય છે માટે જ તેઓ પતંગમાં વૈવિધ્ય લાવી શક્યા છે. આપણે એકબીજાની કાપવામાંથી આગળ જ નથી વધતાં. બધાં જ સામાજિક સમજણનાં કામ સરકાર જ કરે તેવું ના હોય! જેમ આપણે લગ્નના કાયદામાં ફેરફાર માટે માંગ કરીએ છીએ તેવી જ રીતે હવેથી પાકી દોર પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી શકાય અને એવું ભૂલમાંય વિચારતાં નહી કે પતંગના દોર ઉત્તરાયણના બે દિવસ જ હેરાન કરે છે તો તેની આવી ચર્ચા કે ચિંતા કરવાની જરૂર શું છે? હકીકત એ છે કે આ વર્ષે જ ઉત્તરાયણના એક મહિના પહેલાં એક યુવાનનું ગળું પતંગની દોરીથી કપાયું છે અને ગયા વર્ષે ઉત્તરાયણના મહિના પછી પણ રસ્તા પર ચડતા પતંગે યુવકનો ભોગ લીધો હતો.

વાહનચાલકોએ ધ્યાનથી વાહન ચલાવવાનું હોય તેની સાથે જ આપણે પતંગ ચગાવવાવાળાએ પણ ધ્યાન રાખવું. ખાસ તો નાનાં છોકરાંઓ દોડ-દોડમાં અકસ્માતનો ભોગ બને છે. મોટાં લોકોએ રસ્તા પર પતંગ ચગાવવાથી બચવું જોઈએ. જવાબદાર નાગરિકની ભૂમિકા આપણે સૌએ ભજવવી પડશે. દર વર્ષે પાંચ-સાત યુવાનોનાં ગળાં કપાય અને સો થી વધુ ઘાયલ થાય અને છતાં આપણે તેનો વિચાર જ ના કરીએ તે ન ચાલે! ભારત દુનિયાની પાંચ મોટી આર્થિક સત્તા બને તે આનંદની વાત છે પણ આર્થિક મહાસત્તામાં પતંગની દોરથી ગળાં કપાય અને માણસ મોતને ભેટે એ કેટલું યોગ્ય?

તો અંતે વાત એ કે આ ઉત્તરાયણના અઠવાડિયામાં સૌ સાચવજો. જાહેર જીવનના બધા જ મુદ્દામાં અંતે કામ લાગે છે નાગરિક સમજણ, જે આપોઆપ જ વિકસે છે. દરેક શહેરમાં ભાઈને ખબર જ હોય છે કે જે મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગનાં લોકો રહેતાં હોય છે ત્યાં પતંગ વધારે ચગે છે, રસ્તા પર ચગે છે. આવા વિસ્તારમાં સાચવીને ચલાવવું. અકસ્માતના પાયામાં વાહનચાલકની ગતિ મહત્ત્વનો ભાગ ભજવે છે માટે ધીમે ચલાવવું. ટુ વ્હીલરનાં ચાલકોએ આમ પણ ધીમે ચલાવતાં શીખવાની જરૂર છે. ઉત્તરાયણ ના હોય તો પણ સાચવીને ચલાવવા જેવું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top