Waghodia

ગોરજના ઝવેરપુરામાં વૃક્ષચ્છેદન મુદ્દે સરપંચ–ડેપ્યુટી સામે ગંભીર આક્ષેપ

અઘિકારીઓ પ્રજાના કામ ન કરતા હોવાનો સભ્યોને કડવો અનુભવ, મામલતદાર કચેરીની નિષ્ક્રિયતા સામે રોષ

વાઘોડિયા:
ગોરજ ગ્રામ પંચાયતના ખુદ સદસ્યોએ જ પોતાની પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે ગંભીર આક્ષેપો સાથે અવાજ ઉઠાવતા વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે. ગોરજ પંચાયતના પેટાપુરા–ઝવેરપુરા ગામ વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડના ગુલમહોર અને નીલગીરીના વૃક્ષો તેમજ પંચાયતની જગ્યાએ આવેલા લીમડાના ત્રણ ઝાડોને કોઈ પરવાનગી વગર કાપી નાંખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સભ્યોના જણાવ્યા મુજબ સરપંચ અને ડેપ્યુટી સરપંચે સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે વૃક્ષો કાપી બારોબાર વેચી માર્યા છે. આ બાબતની જાણ થતાં ગ્રામ પંચાયતના સભ્યો સ્થળ પર પહોંચ્યા ત્યારે વૃક્ષો કપાયેલા હાલતમાં જોવા મળ્યા હતા. વધુમાં લાકડું વેચાઈ ગયાનું અને બચેલા થળને જે.સી.બી. મારફતે કાઢી પુરાવા નષ્ટ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.


પુરાવા રજૂ કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં
સભ્યોની અરજી બાદ પણ મામલતદાર કચેરી મૌન

સભ્યોએ કપાયેલા વૃક્ષોના થળિયાંના ફોટા પુરાવા રૂપે જોડીને તા. 3 જાન્યુઆરીના રોજ વાઘોડિયા મામલતદાર સમક્ષ સરપંચ અને ડેપ્યુટી સરપંચ વિરુદ્ધ અરજી કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈપણ પ્રકારની દંડનીય અથવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
વારંવાર અરજીઓ છતાં પ્રશાસન તરફથી નિષ્ક્રિયતા જોવા મળતાં સભ્યોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સભ્યોનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં “દાળમાં કંઈક કાળું” છે અને જવાબદાર અધિકારીઓ જાણતા હોવા છતાં આંખ મીંચી રહ્યા છે. હવે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉંચા સ્તરે રજૂઆત કરવાની ચેતવણી પણ સભ્યોએ આપી છે.

રિપોર્ટર: બજરંગ શર્મા

Most Popular

To Top