આજના જમાનામાં પ્રમાણિક લોકો ખૂબ ઓછા મળે છે, ત્યારે સુરતના મહિધરપુરા હીરા બજારમાં એક વ્યક્તિએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સોનાની 10 ગ્રામની લગડી તેના મૂળ માલિકને પરત કરનાર આ વ્યક્તિ ડાયાભાઈ વાઘાણીનું આજે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
- સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ડાયાભાઇ વાઘાણીનું સન્માન કરાયું
બનાવની વિગત એવી છે કે ચેતનભાઈ કીર્તિલાલ અદાણીનું (ગામ : થરાદ, જી. બનાસકાંઠા – મો. ૯૪૨૭૧ ૩૩૦૨૮) ગઈ તા. 7જાન્યુઆરીને બુધવારના રોજ 10 ગ્રામ સોનાની લગડી મહિધરપુરા હીરાબજારના સેફ માંથી લઈને જતાં હતાં. જેની અંદાજીત કિંમત દોઢ લાખ રૂપિયાની આસપાસ થાય છે. રાત્રે 8.30 કલાકે ઘરે ગયા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે લગડી તેમની પાસે નથી. તેમને થયું કે ભુલથી લગડી સેફમાં મુકાઇ ગઈ હશે એટલે તેમણે સેફમાં તપાસ કરતાં ત્યાં પણ લગડી નહોતી..
બીજે દિવસે તપાસ શરુ કરી પણ કોઈ જાણકારી ન મળી. પરંતુ ત્રીજે દિવસે તા. 9 જાન્યુઆરીના રોજ તેઓ મહીધરપુરા ખાતે આવેલા “શ્રી હરિ સેફ”માં ગયા તો ત્યાં નોટીસ બોર્ડ પર એક કાગળમાં લખ્યું હતું જે કોઈની વસ્તુ ખોવાયેલ હોય તો આ નંબર પર સંપર્ક કરવો. આ નંબર ડાયાભાઈ દયાળભાઈ વાઘાણી (ગામ : પાટી તા.બોટાદ જી. બોટાદ ) નો હતો.
વાત એમ હતી કે ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને તા. 7 જાન્યુઆરીને બુધવારના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ મહિધરપુરામાં આવેલા શ્રધ્ધાદીપ બિલ્ડીંગના પાર્કિંગના ખૂણા પાસેથી સોનાની લગડી મળી હતી. તેમણે આ લગડી જે વ્યક્તિની હોય એને પાછી મળે તે માટે એક કાગળ પર તેનો મોબાઈલ નંબર લખી જણાવ્યું કે જે લોકોની વસ્તુ ખોવાઈ હોય તેઓ આ મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. આ કાગળની 10 થી 15 ઝેરોક્ષ કોપી કરાવી મહિધરપુરામાં લગાવી હતી, જેમાંથી એક કોપી કોઈ ભાઈએ “શ્રી હરિ સેફ”માં લગાવી હતી.
ત્રીજે દિવસે ચેતનભાઈ અદાણી “શ્રી હરિ સેફ”માં ગયા તો તેમનું ધ્યાન આ નોટીસ બોર્ડ પર ગયું. તુરંત તેમણે નંબર લગાવ્યો અને ડાયાભાઇ વાઘાણી સાથે વાત થઇ. ડાયાભાઇએ ચેતનભાઈને તેમની ઓફીસ પર બોલાવ્યા જ્યા ડાયાભાઇ તેમના મિત્ર રણછોડ ભાઈ લવાણી સાથે બેઠા હતાં. ચેતનભાઈને ડાયાભાઈ અને રણછોડભાઈ લવાણીએ ખરાઈ કરવા કહ્યું હતું. ચેતનભાઈ અદાણી દ્વારા પુરતી ખરાઈ આપતા આ સોનાની લગડી ચેતનભાઈની જ છે તેવું સાબિત થયુ હતું. પરંતુ ડાયાભાઇ અને રણછોડભાઈ લવાણીએ તેમને આ લગડી સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારઓની હાજરીમાં આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાં ચેતનભાઈ તુરંત સહમત થયા હતાં.
આજે તા. 12 જાન્યુઆરીની સોમવારે સવારે 12 કલાકે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે પ્રામાણિક અને નૈતિક મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર ડાયાભાઈ દયાળભાઈ વાઘાણીને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ખુંટ તથા સભ્યો દ્વારા કોર્પોરેટર જીતુભાઈ કાછડની હાજરીમાં શાલ ઓઢાડી પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જેમની લગડી ખોવાઈ હતી તેવા ચેતનભાઈ અદાણીને સૌની હાજરીમાં સોનાની લગડી સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેતનભાઈ અદાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરત ડાયમંડ એસોસિએશનએ ડાયાભાઇ દયાળભાઈ વાઘાણીને પ્રામાણિકતા બતાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં.