SURAT

CCTV: સરથાણામાં મહિલાની ક્રુરતા, 7 વર્ષના બાળકને જમીન પર ઢસડી માર માર્યો

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારની એક એરરાટીપૂર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક મહિલાએ પોતાની જ સોસાયટીમાં રહેતા 7 વર્ષીય બાળકને જમીન પર ઢસડી, પછાડીને ખૂબ માર માર્યો છે.

  • સરથાણામાં 7 વર્ષના બાળકને મહિલા દ્વારા કુરતાપૂર્વક માર મરાયો
  • બાળકના પેટના ભાગે તેમજ જમણા પગના સાથેના ભાગે ઇજા પહોંચી
  • બાળકને જમીન પર ઢસડયો હોવાના કારણે તેના પગમાં ઇજા પહોંચી
  • ન્યાય મેળવવા માટે બાળકના પિતાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં કરી અરજી
  • સરથાણા પોલીસ દ્વારા મહિલાની ડિટેન કરવામાં આવીઃ મહિલા સિલિલોન રેસીડેન્સીના પહેલા માળે રહે છે
  • મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી, માફી માગતા કહ્યું.. આવી ભૂલ કોઈએ કરવી નહીં અને હું પણ હવે ચોક્કસ પૂરેપૂરું ધ્યાન રાખીશ કે આવું નહીં કરું.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા સોસાયટીના રહીશોમાં મહિલા વિરુદ્ધ રોષ વ્યાપ્યો હતો. બાળકના પિતાએ અરજી આપતા તાત્કાલિક સરથાણા પોલીસે મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. મહિલાએ માફી માંગી લીધી છે.

કોઈ પશુ સાથે પણ ન કરે તેવો વ્યવહાર એક મહિલાએ પોતાની જ સોસાયટીમાં રહેતા 7 વર્ષીય માસૂમ બાળક સાથે કર્યો હોવાની ઘટના સામે આવી છે. સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલી સિલિકોન રેસિડેન્સીમાં આ ઘટના બની હતી. અહીં સુધીર વઘાસિયા પરિવાર સાથે રહે છે. તેમનો 7 વર્ષનો પુત્ર સોસાયટીમાં અન્ય બાળકો સાથે રમતો હતો.

દરમિયાન પડોશમાં રહેતા અપેક્ષાબેનના ઘરની ડોરબેલ વગાડી હતી. માત્ર આટલી વાતથી અપેક્ષાબેન ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પિત્તો ગુમાવ્યો હતો અને ઘરની બહાર આવી માસૂમ બાળક પર તૂટી પડ્યા હતા. મહિલાએ બાળકને ઢસડી જમીન પર પટક્યો હતો અને નિર્દયતાથી તેને માર માર્યો હતો.

આ મારપીટના લીધે માસૂમ બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને પગમાં પણ વાગ્યું છે. તેના જમણા પગ પર સોજો આવ્યો છે. તેના પેટમાં પણ આંતરિક ઈજા પહોંચી છે.

આ ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે મહિલાએ ક્રુરતાપૂર્વક બાળકને માર માર્યો હતો. આ ફૂટેજના આધારે બાળકના પિતા સુધીર વઘાસીયાએ સરથાણા પોલીસમાં મહિલા અપેક્ષાબેન વિરુદ્ધ અરજી કરી હતી.

મહિલાએ મારી પત્નીને પણ ધમકાવી
સુધીર વઘાસિયાએ અરજીમાં જણાવ્યું કે, આ ઘટના 9 જાન્યુઆરીની રાતે 9થી 10 દરમિયાન બની હતી. સોસાયટીના રહીશોએ કહ્યું કે અપેક્ષાબેને મારા દીકરાને માર માર્યો ત્યારે અમને ખબર પડી હતી. સીસીટીવી ફૂટેજ ચેકમાં અપેક્ષાબેનની ક્રુરતા જોઈ અમે દંગ રહી ગયા હતા. એટલું જ નહીં અપેક્ષાબેન બીજા દિવસે સવારે મારા વાઈફને ધમકાવ્યા હતા કે હજુ તમારા છોકરાને માર મારીશ. મારા ઘરનો ડોરબેલ વગાડશે તો હજુ તેને મારીશ. મારા દીકરાને ન્યાય મળે અને અપેક્ષાબેનને સજા થાય તે હેતુથી અરજી કરી છે.

મહિલાએ માફી માંગી
અરજી મળતા સરથાણા પોલીસે અપેક્ષાબેનને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. અપેક્ષાબેને જાહેર માફી માંગી હતી. અપેક્ષા વૈષ્ણવે માફી માંગતા જણાવ્યું હતું કે, હું સિલિકોન રેસીડેન્સીમાં રહું છું. તે બાળક રાતના 10 વાગ્યા પછી ડોરબેલ મારીને ભાગી જતો હતો. આવું તેણે 6 થી 7 વખત કર્યું મને ગુસ્સો આવ્યો હતો. તેણે મને આખી સોસાયટીમાં ચક્કર મરાવ્યા એટલે મેં પૂછ્યું કે તારા પપ્પાનું નામ શું છે? તો કે મને નથી ખબર. એવા જવાબ આપતા મેં એને 2 થી 3 ઝાપટો મારી. તો એ મારી ભૂલ છે એ હું સ્વીકારું છું અને આવી ભૂલ કોઈએ કરવી નહીં અને હું પણ હવે ચોક્કસ પૂરો ધ્યાન રાખીશ કે આવું નઈ કરું.

Most Popular

To Top