ખાણીપીણીની લારી, દુકાનો પર હાલમાં તવાઈ ચાલી રહી છે. સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી વધારી દીધી છે. પાંડેસરામાં પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા સડેલાં બટાકાનો જથ્થો મળ્યા બાદ તંત્ર વધુ સતર્ક થયું છે અને પાછલા 5 દિવસમાં 1220 જેટલી પાણીપુરીની લારીઓ પર ચેકિંગ કરાયું છે. અલથાણ, ભટાર, પાંડેસરા, અડાજણ સહિતના વિસ્તારોમાં પાણી પુરીની લારી પરથી 1400 કિલો અખાદ્ય જથ્થો પકડ્યો છે. 10 દુકાન સીલ કરી 2.50 લાખનો દંડ વસૂલ્યો છે.
- પાંચ દિવસમાં 1220 દુકાન, લારી પર ચેકિંગ, 1400 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો
- 10 દુકાન સીલ કરી 2.50 લાખનો દંડ વસૂલ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પાલિકાની આરોગ્યની ટીમો છેલ્લાં પાંચ દિવસથી રોજ વહેલી સવારે પાણીપુરી સ્પેશિયલ ડ્રાઈવ માટે નીકળી પડે છે. પાંચ દિવસમાં અલથાણ, ભટાર, પાંડેસરા અડાજણની લારી, દુકાનો પર દરોડા પાડ્યા છે. કુલ 1220 દુકાનો, લારીઓ પર ચેકિંગ કરાયું છે. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ પાણીપુરીનું ઉત્પાદન થતું હોય તેવા ગોડાઉન પણ ફંફોળ્યા હતા.
આરોગ્ય અધિકારી ડો. કેતન ગરાસિયાએ કહ્યું કે, 5 દિવસની કાર્યવાહીમાં પાલિકાએ પાણીપુરી વેચતી લારીઓ ઉપરાંત મોટા જથ્થામાં ઉત્પાદન થતું હોય એવા ગોડાઉન પણ તપાસ્યા છે. દરમિયાન જે સડેલા બટાકા, ગંદા વાતાવરણમાં બનતો મસાલો મળ્યો તે નાશ કર્યો છે.
અંદાજે 1400 કિલોથી વધુ અખાદ્ય જથ્થો નાશ કર્યો છે. 2.60 લાખનો દંડ ફટકાર્યો છે. આરોગ્ય વિભાગે 73 જેટલી સંસ્થાઓને કડક નોટિસ ફટકારી છે અને જેઓ સુધરવા તૈયાર નહોતા તેવી 10 જાણીતી ખાણીપીણીની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.