સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર ડાયમંડ સ્મગલિંગના સ્કેમનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બાતમીના આધારે સુરતથી બેંગ્કોકની જતા બે યુવાનોની હીરા અને ડોલર સાથે ધરપકડ કરી છે. આ બંને યુવાનો પાસેથી અંદાજે 6 કરોડના પોલિશ્ડ ડાયમંડ અને 30 હજાર અમરેકિન ડોલર મળી આવ્યા છે. શંકાના આધારે બંનેને એરપોર્ટ પર અટકાવી તપાસ કરતા બેગમાંથી હીરા અને ડોલર મળ્યા હતા, જેને હાલ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરી લેવાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે શંકાસ્પદ યુવાનોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ બંને યુવકો ડિક્લેરેશન વિના કિંમતી હીરા અને ડોલર લઈ જવાની ફિરાકમાં હતાં. બાતમીના આધારે ડીઆરઆઈએ એરપોર્ટની અંદર વોચ ગોઠવીને બંને યુવકોને એરપોર્ટની અંદર જ દબોચી લીધા હતા. તેમની બેગની તલાશી લેતા તેમાં છુપાવાયેલા હીરાના પેકેટ અને ડોલર મળી આવ્યા હતા. બંને યુવાન પાસેથી 3-3 કરોડના હીરા અને 15-15 હજાર ડોલર મળ્યા હતા. જે જપ્ત કરી લેવાયા છે.
ડીઆરઆઈએ બંને યુવાનોની વિધિવત ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. એજન્સી દ્વારા કોર્ટમાં બંનેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે, જેથી આ આંતરરાષ્ટ્રીય દાણચોરીના મૂળ સુધી પહોંચી શકાય.
DRIને આશંકા છે કે, આ સમગ્ર મામલા પાછળ બ્લેક મનીને વ્હાઈટ કરવાનું નેટવર્ક હોઈ શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે, સુરતથી ગેરકાયદેસર હીરા અને ડોલર વિદેશમાં મોકલીને ત્યાં તેનું વેચાણ કરવામાં આવે છે. ત્યાર બાદ તે રકમ વિદેશથી ભારતના બેંક ખાતાઓમાં કાયદેસરની આવક તરીકે પરત મોકલવામાં આવે છે. આમ કરવાથી વિદેશી રોકાણ અથવા નિકાસની આવક બતાવીને કાળા નાણાંને ચોપડે કાયદેસર બનાવી શકાય છે.