SURAT

અડાજણના બદ્રીનાથ મંદિરના ભક્તો મેટ્રોની કામગીરીથી હેરાન પરેશાન, સાંસદ દોડ્યા

સુરતીઓ માટે મંથરગતિએ ચાલી રહેલી મેટ્રોની કામગીરી હવે કાયમી સિરદર્દ બની ચુકી છે. કોટ વિસ્તારની સાથે – સાથે હવે શહેરનાં અન્ય વિસ્તારોમાં પણ મેટ્રોની કામગીરીને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હવે ખુદ સાંસદ મુકેશ દલાલ દ્વારા લોકોની પીડાને વાચા આપવાની સાથે સાથે સ્થળ નિરીક્ષણ કરવાની ફરજ પડી હતી.

અડાજણ ખાતે બદ્રીનાથ મંદિર પાસે મેટ્રો સ્ટેશનની કામગીરી દરમિયાન છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોની હાલાકીને પગલે આજે સાંસદ મુકેશ દલાલ મનપાનાં અધિકારીઓ સાથે સ્થળ નરીક્ષણ કર્યું હતું અને જરૂરી નર્દેશ આપ્યા હતા.

આગામી મહાનગર પાલિકાની ચુંટણી પૂર્વે મેટ્રોનાં ઉદઘાટન માટેની દિશામાં તંત્ર દ્વારા ભારે દોડધામ કરવામાં આવી રહી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રોની કામગીરીને કારણે શહેરીજનોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આડેધડ રસ્તાઓ પર બેરિકેડિંગને પગલે ઠેર – ઠેર ટ્રાફિકજામની સ્થિતિ વિકરાળ બની ચુકી છે.

અલબત્ત, અડાજણ ખાતે આવેલ બદ્રીનાથ મંદિર પાસે પણ છેલ્લા ઘણા સમયથી મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભારે ટ્રાફિકજામની સાથે – સાથે મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિકો દ્વારા આ અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં મેટ્રોનાં નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે નાછૂટકે સાંસદ મુકેશ દલાલ દ્વારા મોરચો સંભાળવામાં આવ્યો હતો.

આજે સવારે મુકેશ દલાલ સુરત મહાનગર પાલિકા અને મેટ્રોનાં અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બદ્રીનાથ મંદિરે આવતાં શ્રદ્ધાળુઓને પડતી અગવડતાં અને ભારે ટ્રાફિકજામની સમસ્યાનું તાકિદે નિરાકરણ લાવવા માટે પણ તેઓએ જરૂરી સૂચનો આપ્યા હતાં.

Most Popular

To Top