નવજાત બાળકીને ત્યજી દેવાની વધુ એક અરેરાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ડિંડોલીના દેલાડવા ગામના તળાવ કિનારે ગામના રહીશ વિપુલભાઈને એક નવજાત બાળકી મળી આવી હતી. તેની જાણ થતાં સરપંચ સહિત ગામલોકો ભેગા થયા હતા. આ બાળકી દેલાડવા ગામમાં તળાવ કિનારે શ્રીરામ ભગવાનના મંદિર પાસે આવેલા તળાવની પાળ પર કપડામાં વિંટાળેલી હાલતમાં મળી હતી.
- દેલાડવા ગામના શિવ મંદિર પાસે તળાવની પાળ પર એક દિવસની નવજાત બાળકી મળી
- ઠંડી રાતમાં કપડામાં વિંટાળેલી હાલતમાં બાળકીને કોઈ તરછોડી ગયું
- બાળકી રડવાના બદલે હસતી હોય પોલીસે તેનું નામ હસ્તી પાડ્યું
ઠંડી રાતમાં બાળકીને કોઈ કઠોર હૃદયની જનેતા કપડામાં વીંટળીને મુકી ગઈ હોય ગામ લોકોના મોંઢામાંથી સિસકારો નીકળી ગયો હતો પરંતુ આશ્ચર્યજનક રીતે બાળકી બિલકુલ રડી રહી નહોતી. બાળકી સાથે કશુંક અગમ્ય બન્યું હોવાનો ધ્રાસકો ગામલોકોના મનમાં પેઠો હતો.

સરપંચે બાળકીને ઉપાડી હતી, ત્યારે ચમત્કાર સર્જાયો હતો. સામાન્ય રીતે આવા કેસમાં બાળકો પર કીડી, મંકોડા ચઢ્યા હોય તેથી તે રડતા હોય છે, પરંતુ આ બાળકી તો હસતી જોવા મળી હતી. જાણે કહેતી હોય જન્મ આપનારા ભલે છોડી ગયા મારો પાલનહાર તો તે ઉપરવાળો છે. મારે શેની ચિંતા?
દેલાડવા ગામના સરપંચ હાર્દિક પટેલે કહ્યું કે, નવજાત બાળકીના પેટની નાભિના ભાગે નાળ પણ જોડાયેલી હતી, તેથી જન્મતાવેંત જ તેને તરછોડી દેવાઈ હોવી જોઈએ. પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ડિંડોલીના પીએસઆઈ દિવ્યા ઓડેદરાએ જણાવ્યું કે બાળકી સંપુર્ણ રીતે તંદુરસ્ત છે. જનેતાએ છોડી દીધી તો પણ હસતી રમતી આ બાળકીએ મન મોહી લીધું છે. તેનું નામ હસ્તી જ રાખવામાં આવ્યું છે. બાળકીના શરીરે ઈજાના કોઈ નિશાન ન હતા. પોલીસે 108માં બાળકીને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.
ડિંડોલી પોલીસ ઉછેરની જવાબદારી ઉપાડશે
પીએસઆઈ દિવ્યા ઓડેદરાએ જણાવ્યું કે, આ બાળકીનું નામ પોલીસે હસ્તી રાખ્યું છે. આ સાથે જ બાળકીના ઉછેરની સંપૂર્ણ જવાબદારી ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમા સહિતનો સ્ટાફ ઉપાડશે. બાળકીના માતા-પિતાને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે. તેઓ મળે છતાં બાળકીનો ઉછેર ડિંડોલી પોલીસ કરશે. બાળકીના નામ પર એક બેન્ક એકાઉન્ટ પણ ખોલાવવામાં આવશે.