Godhra

ગોધરા-અમદાવાદ હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતા ભીષણ આગ લાગી, એકનું મોત

ડિવાઈડર કૂદીને ટ્રક સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ

કેબિનનો કચ્ચરઘાણ નીકળ્યો, આખું વાહન બળીને ખાખ


ગોધરા;;પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ડોક્ટરના મુવાડા ગામ પાસે એક કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા એક ટ્રક ચાલકનું કેબિનમાં જ જીવતું ભડથું થયું હતું. આ પ્રચંડ અકસ્માતમાં બંને વાહનોના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે આઈસ્ક્રીમ ભરીને એક ટ્રક જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલી અન્ય એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ટ્રકમાં તુરંત જ ભીષણ આગ લાગી ગઈ હતી.

અકસ્માત બાદ ટ્રકના કેબિનનો લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આગની જ્વાળાઓએ જોતજોતામાં આખા કેબિનને લપેટમાં લઈ લીધું હતું. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઈવરને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તે આગમાં ફસાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. અન્ય એક ટ્રક રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી.

ઘટનાના પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોધરા ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા.

રિપોર્ટર આશિષ બારીયા

Most Popular

To Top