SURAT

ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ બે કાન પકડી માફી માંગી, રોલો પાડવાનું ભારે પડ્યું

ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની હોંશિયારી પોલીસે કાઢી નાંખી છે. બે કાન પકડી શિવા ઝાલાએ માફી માંગવી પડી છે.

વાત જાણે એમ છે કે ડ્રગ્સ માફિયા શિવા ઝાલાનો વચગાળાના જામીન પર જેલમાંથી છુટકારો થયો હતો. તે જેલમાંથી બહાર આવ્યો ત્યાર બાદ પોતાનો વટ દેખાડી દેવા રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા અને ફિલ્મી સ્ટાઈલમાં રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.

આ વીડિયો રીલમાં પોતે સફેદ લક્ઝરી કારથી બહાર આવે છે. ગેંગસ્ટર ગીતોના બેકગ્રાઉન્ટ મ્યુઝિક પર સ્ટાઈલ મારે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ રીતે શિવાએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનું પ્રતીત થતું હતું. વીડિયો નજરે પડતાં જ સલાબતપુરા પોલીસ હરકતમાં આવી હતી અને શિવાને ઉપાડી લાવી હતી.

પોલીસે લાલ આંખ કરતા જ શિવા ઝાલાને પરસેવો છૂટી ગયો હતો. સોશિયલ મીડિયામાં પોતાની ગેંગનો રોલો પાડવા જતાં શિવા ઝાલાને પોલીસની કડકાઈનો સામનો કરવો પડ્યો હતો. પોલીસથી ગભરાઈને શિવા ઝાલાએ જાહેરમાં બે કાન પકડીને જાહેર જનતા અને પોલીસની માફી માંગવી પડી હતી. પોલીસે માફી માંગતા શિવાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

વીડિયોમાં શિવા એવું બોલતા જણાઈ છે કે, પોતે જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ તેના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ હતી, તે કાયદાનું ઉલ્લંઘન હતું.

શું બોલ્યો શિવા ઝાલા?
વીડિયોમાં શિવા બોલે છે કે, હું શિવરાજ સિંહ ભૂપેન્દ્ર સિંહ ઝાલા બે તારીખે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો. મેં અને મારા સમર્થકોએ જાહેરનામાનો ભંગ કરી ફટાકડા ફોડ્યા હતા, જે બદલ હું દિલથી માફી માગુ છું. ભવિષ્યમાં મારાથી ક્યારેય આવી ભૂલ નહીં થાય.

Most Popular

To Top