ખુલ્લી ફ્યુઝ પેટીમાં જીવંત વીજપ્રવાહ, માનવ અને પ્રાણી બંને માટે જોખમ
ગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ
ડભોઇ શહેરના માણાપોર ચકલા વિસ્તારમાં MGVCLની ગંભીર બેદરકારીને કારણે એક કપિરાજનું કરુણ મોત નીપજ્યું છે. વિસ્તારમાં આવેલા વીજ પોલ પર લગાવાયેલી ફ્યુઝ પેટી ઢાંકણ વિના ખુલ્લી હાલતમાં હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, માણાપોર ચકલા પાસેના મકાનની અડોઅડ આવેલા વીજ પોલ પર મોટા ફ્યુઝની પેટી જોખમી રીતે ખુલ્લી હતી. તે સમયે વાનરોનું એક ટોળું વિસ્તારમાં આવ્યું હતું. પોલ પરથી નીચે ઉતરતી વેળાએ એક અબોલ અને અબૂધ કપિરાજનો હાથ જીવંત વીજ પ્રવાહ ધરાવતા ખુલ્લા ફ્યુઝને અડકી ગયો હતો. જોરદાર વીજશોક લાગતાં કપિરાજ વીજ પોલ પરથી ફેંકાઈને માર્ગ પર પટકાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.
કપિરાજના મોત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક વાનર પાસે અન્ય વાનરો કૂદાકૂદ કરતા જોવા મળ્યા હતા, જ્યારે દૃશ્ય જોઈ લોકોનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં MGVCLની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ માંગ કરી છે કે માનવ વસતી અને પ્રાણીજીવન માટે જોખમી બનેલી ખુલ્લી વીજ ફ્યુઝ પેટીઓ તાત્કાલિક બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી આવી કરુણ ઘટનાઓ ફરી ન બને.
રિપોર્ટર: સઇદ મન્સૂરી