એક નાનકડા વેપારીના પુત્રના લગ્ન થયા, લગ્નના એક વર્ષ બાદ પત્ની ગર્ભવતી થઈ,વેપારીના દીકરાને થયું કે હું દૂર દેશાવર જઈ અને વેપાર કરી વધુ પૈસા કમાઉ દીકરાએ પિતા પાસે જઈને મનની વાત કરી પિતાએ કહ્યું, ‘ભલે વાંધો નથી પણ તારી ગર્ભવતી પત્નીને પૂછી જો.’ ગર્ભવતી પત્નીએ સહર્ષ હા પાડી માત્ર એટલું જ વચન માગ્યું કે ‘અમને ભૂલતા નહીં’ વેપારીનો દીકરો વેપાર કરવા માટે દૂર દેશાવર નીકળી ગયો, ૧૭ વર્ષ વીતી ગયા વેપારીને દીકરાએ ખુબ પૈસો ભેગો કર્યો હવે તેને થયું કે પૈસાની પાછળ બહુ દોડ્યો મારે મારા પરિવાર પાસે પાછા જવું જોઈએ. વેપારી પોતાના નગર જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેની પાસે એક વિદ્વાન આવ્યો વિદ્વાને કહ્યું કે, ‘આ પ્રદેશમાં ભલે સમૃદ્ધિ છે પણ જ્ઞાનનું કોઈ મહત્વ નથી.
હું અહીં મારા જ્ઞાન સૂત્રોનો વેપાર કરવા આવ્યો હતો. પણ કોઈ એક જ્ઞાન સૂત્ર ખરીદવા પણ રાજી નથી.’ વેપારીને થયું કે વર્ષોથી આ કર્મભૂમિએ મને કંઈક કેટલી સફળતાઓ આપી છે તો તેનું નામ આમ બગડે તે ન ચાલે તેણે કહ્યું, ‘ વિદ્વાન, હું ખરીદીશ મને કહો તમારા જ્ઞાનસૂત્રની શું કિંમત છે.’ વિદ્વાન બોલ્યા, ‘એક જ્ઞાનસૂત્રની કિંમત 500 સોનાની મોહરો છે.’ વેપારીને સોદો મોંઘો લાગ્યો પણ છતાં તેને ખરીદીવાનું નક્કી કર્યું. તેણે વિદ્વાનને કહ્યું, ‘મને એક જ્ઞાનસૂત્ર કહો.’ વિદ્વાને કહ્યું ‘કોઈ પણ કાર્ય કરતાં પહેલાં બે મિનિટ ચોક્કસ મન શાંત કરીને વિચારી લેવું પછી જ તે કાર્ય કરવું.’ આ જ્ઞાનસૂત્ર મેળવી તેણે પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું.
કોઈને જાણ કર્યા વિના વેપારી ચૂપચાપ પોતાના ઘર તરફ ગયો ઘરમાં અંદર જઈને જોયું તો પત્ની એક યુવાનની સાથે સુતી હતી વેપારીને ખૂબ જ ગુસ્સો આવ્યો તેણે ખંજર કાઢ્યું અને વાર કરવા જતો હતો ત્યાં જ તેને પેલું જ્ઞાનસૂત્ર યાદ આવ્યું એટલે તે બે મિનિટ અટકી ગયો… આ વિચારોમાં વેપારી ખોવાયેલો હતો ત્યાં જ તેની પત્નીની આંખો ખુલી અને પત્ની પોતાના પતિને જોઈને રાજી રાજી થઈને બોલી, ‘ સ્વામી તમે આવી ગયા, આટલા વર્ષો એકલતામાં કેવી રીતે વિતાવ્યા છે તે મારું મન જ જાણે છે.’ વેપારી હજી પણ ગુસ્સામાં હતો તેણે પેલા યુવક તરફ જોયું પત્ની બોલી, ‘બેટા જો તારા પિતા આવ્યા છે.’ યુવકે ઉભા થઈને પિતાને પ્રણામ કર્યા.
વેપારી પોતાના પત્ની અને પુત્રને જોઈને ભેટી પડ્યો તેની આંખમાંથી આંસુ નીકળી ગયા તે મનમાં પેલા વિદ્વાનને પ્રણામ કરવા લાગ્યો કે તેણે આપેલા જ્ઞાનસૂત્રને કારણે આજે તેનો પરિવાર બચી ગયો. જો તેને ક્રોધમાં આવી અને ખંજર કાઢીને કોઈ ખરાબ કૃત્ય કર્યું હોત તો આજે તેનો પરિવાર તેના હાથે જ ખતમ થઈ ગયો હોત.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.