દુષ્કાળ માનવસર્જીત હોય કે કુદરતસર્જીત? આ સવાલ જ અસ્થાને જણાય, કેમ કે, દુષ્કાળનું સીધું કારણ અનાવૃષ્ટિ કહી શકાય, જે કુદરતને આધીન છે પણ એક તરફ પાણીની અછતને પહોંચી વળવા માટે વિવિધ જળપ્રકલ્પો અમલમાં હોય, એમાં પણ નવા નવા વિસ્તારો લાભાન્વિત થઈ રહ્યા હોય, છતાં કેટલાક વિસ્તારોને કેવળ રાજકીય કારણોસર બાકાત રાખવામાં આવે ત્યારે દુષ્કાળ માનવસર્જીત અને વધુ ચોકસાઈથી કહીએ તો સરકારસર્જીત બને છે.
આનું એક નમૂનેદાર ઉદાહરણ એટલે કર્ણાટક રાજ્યમાં આવેલો ‘અપર ભદ્રા સિંચાઈ પ્રકલ્પ’. તેના વિશે વધુ વાત કરતાં પહેલાં આ પ્રકલ્પનું મહત્ત્વ સમજી લઈએ. કર્ણાટકની બે નદીઓ તુંગ અને ભદ્રા પશ્ચિમ ઘાટમાંથી નીકળીને કૂડલી ગામે મળે છે અને ત્યાંથી આગળ આ સંયુક્ત પ્રવાહ તુંગભદ્રા નદી તરીકે ઓળખાય છે. આ નદી કર્ણાટકનો મહત્ત્વનો જળસ્રોત ગણાય છે અને તે કૃષ્ણા નદીની ઉપનદી છે. તુંગભદ્રા પર, હોસ્પેટ નગર પાસે બંધાયેલો બંધ અતિ મહત્ત્વનો છે, તેમ ભદ્રા નદી પર, લક્કવલ્લી નગર પાસે બંધાયેલો બંધ પણ અતિ મહત્ત્વનો છે. આ બંધ લક્કવલ્લી બંધના નામે પણ ઓળખાય છે.
અહીંના ‘અપર ભદ્રા સિંચાઈ પ્રકલ્પ’ને રાજકીય ગ્રહણ લાગ્યું છે. શી છે આ યોજના? આ પ્રકલ્પનો મૂળભૂત હેતુ ચિક્કમગલૂર, ચિત્રદુર્ગ, તુમકુરુ અને દાવણગેરે તાલુકાઓને સિંચાઈનું તેમજ પીવાનું પાણી પૂરું પાડવાનો છે, કેમ કે, પાકની નિષ્ફળતા, તેને કારણે થઈ રહેલાં સ્થળાંતર તેમજ ફ્લોરાઈડયુક્ત પાણી જેવાં પરિબળોને કારણે આ ક્ષેત્રો દુષ્કાળગ્રસ્ત છે. ‘અપર ભદ્રા સિંચાઈ પ્રકલ્પ’ એક રીતે ‘લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટ’ છે, એટલે કે તુંગ અને ભદ્રા નદીનાં પાણીને ઉપરની તરફ આવેલા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લઈ જવાનું છે.
એમ કરવાથી અહીંના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સવલત થવાથી સિંચાઈની સુવિધા ઊભી થશે, ભૂગર્ભજળનાં સ્તર ઊંચે આવશે તેમજ ઉપર જણાવેલા ચારે વિસ્તારોમાંના કુલ 367 તળાવોને પણ ભરવામાં આવશે. આમ, આ એક મહત્ત્વાકાંક્ષી, બહુહેતુક અને દુષ્કાળની સમસ્યાનું ઘણે અંશે નિવારણ લાવતો પ્રકલ્પ બની રહે એમ છે. આ પ્રકલ્પની મહત્તાને પારખીને ફેબ્રુઆરી, 2022માં કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ ઘોષિત કરેલું કે કેન્દ્રિય જળ આયોગની એક ઉચ્ચસ્તરીય સમિતિએ આ પ્રકલ્પને રાષ્ટ્રીય પ્રકલ્પ ગણવાની ભલામણ કરી છે. જલશક્તિ મંત્રાલય દ્વારા કરાયેલા ટેક્નિકલ નિરીક્ષણ પછી આ પગલું લેવાયેલું.
આ ઘોષણાના એક વર્ષ પછી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ વેળા 5,300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઘોષિત કરી હતી, જેથી આ પ્રકલ્પના અમલીકરણને વેગ મળે. આ ઘોષણા સમયે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. એ વાતને બે વર્ષ વીતી ગયાં. ઘોષિત કરાયેલી આ રકમમાંથી એક પૈસો હજી સુધી ફાળવવામાં આવ્યો નથી. એ તો ઠીક, કેન્દ્ર સરકારે હવે હાથ ઊંચા કરી દીધા છે કે આ પ્રકલ્પ કેન્દ્ર સરકાર પ્રયોજિત નથી. નવાઈ લાગે એવી વાત એ છે કે બજેટ દરમિયાન આ રકમની ઘોષણા ખુદ કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પોતે ફાળવેલા બજેટ બાબતે એ પોતે જ ફરી જાય તો શું કરવાનું?
કારણ સાફ છે. અગાઉ આ ઘોષણા વખતે કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષની સરકાર હતી, જ્યારે હવે કોંગ્રેસ પક્ષની સરકાર છે. એટલે આખા મામલાના મૂળમાં પક્ષીય રાજકારણ છે. પક્ષીય રાજકારણ એ હદે કથળી ગયું છે કે સમસ્યાઓના ઉકેલ પણ એ મુજબ વિચારવામાં આવે છે? આનો જવાબ ‘હા’માં છે અને આવાં એક નહીં, અનેક ઉદાહરણો જોવા મળી શકે એમ છે. સંકુચિત પક્ષીય વલણ દાખવતા રાજકારણીઓ સર્વસામાન્ય પ્રજાલક્ષી હિતના મામલે પણ પક્ષીય વિચારધારાથી ઉપર ઊઠીને વિચારી શકતા નથી એ ખેદજનક કહી શકાય. સાથે જ એટલું કહેવું રહ્યું કે આ અપવાદ નહીં, નિયમ છે.
એવુંય નથી કે પક્ષીય રાજકારણ અને એને લગતી સંકુચિત વિધારધારા નવીનવાઈનાં અને આજકાલનાં છે. પક્ષ બન્યા ત્યારથી જ પક્ષીય રાજકારણ પણ શરૂ થયું. આમ છતાં, એ કદી એક મૂલ્ય નહોતું અને આટલું ખુલ્લેઆમ નહોતું. દરેક પક્ષમાં એવા નેતાઓ હતા ખરા કે જે વ્યાપક, સર્વસમાવેશી હિત જોઈ વિચારી શકતા હોય. હવે એ નવું મૂલ્ય બની રહ્યું છે અને વર્તમાન નેતાઓના વલણથી એ છેક લોકોના મનમાં પણ પેઠું છે. અગાઉ પોતે જ કરેલી જાહેરાત બાબતે હવે સાવ નામક્કર જવું અને કહી દેવું કે એ રાષ્ટ્રીય પ્રકલ્પ નથી, એ કેવળ બોલીને ફરી જવા પૂરતી વાત નથી. સંસદમાં કરેલી ઘોષણા પર રાજકીય અથવા તો પક્ષીય હિત કઈ રીતે હાવી થઈ જાય છે એનો નમૂનો છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોની વાસ્તવિક જરૂરિયાત કરતાં પણ પક્ષીય હિત અગ્રતાક્રમે આવે એવી આ વરવી પરિસ્થિતિ છે.
ચૂંટણીનાં પરિણામ પોતાની વિરુદ્ધમાં આવે એટલે શું ત્યાંનાં જરૂરિયાતમંદ લોકોને દંડવાના? શું આ રાજ્ય દેશની બહારનો અન્ય કોઈ પ્રદેશ છે? એક વરસ અગાઉ પણ કર્ણાટકે કેન્દ્ર સરકાર દ્વારા અપાતા દુષ્કાળ રાહતનાં બાકી નાણાં મેળવવા માટે સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવવો પડ્યો હતો. હવે વધુ એક વાર ‘અપર ભદ્રા પ્રોજેક્ટ’ માટે પણ એ જ માર્ગ અપનાવવાની તૈયારી છે. કોઈ રાજ્યને પોતાનો વાજબી હિસ્સો મેળવવા વારંવાર અદાલતનો સહારો લેવો પડે, એ સ્થિતિ સંસ્થાગત વિશ્વાસ તૂટી રહ્યો હોવાનો સંકેત છે. એ સહેજ પણ ઈચ્છનીય નથી. આ લડાઈ કેવળ પાણી માટે નથી પરંતુ ચૂંટણી પત્યા પછી પણ બંધારણીય ખાતરીઓ અને સંસદીય વચનો અર્થપૂર્ણ બની રહે છે કે કેમ એની એક પ્રકારે કસોટી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.