ભારતનું અર્થતંત્ર તેજીમાં છે. 7 જાન્યુઆરીએ જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ 2026માં 7.4% ના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે, જે પાછલા નાણાકીય વર્ષમાં 6.5% હતું.
આ વૃદ્ધિ વૈશ્વિક દબાણ અને યુએસ નિકાસમાં મંદીની વચ્ચે આવી છે. આ આર્થિક રિકવરી ભારતના મજબૂત રોકાણ અને રોકાણકારોના વિશ્વાસ તેમજ દેશના નીતિગત ફેરફારો, વપરાશ અને મજબૂત સ્થાનિક માળખાને પ્રતિબિંબિત કરે છે.
આ આર્થિક સુધારાને ઉત્પાદન અને સેવા ક્ષેત્રો દ્વારા ટેકો મળ્યો છે, જેમણે આ નાણાકીય વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજ મુજબ, ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્રો 7 ટકાનો વિકાસ દર હાંસલ કરવાનો અંદાજ છે.
MoSPI એ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માં 7.3 ટકાના અંદાજિત વાસ્તવિક GVA (ગ્રોસ વેલ્યુ એસેટ) વૃદ્ધિ દર માટે સેવા ક્ષેત્રમાં મજબૂત વૃદ્ધિ મુખ્ય ચાલકબળ હતી. જોકે, 31 માર્ચે પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો અને વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય ઉપયોગિતા સેવાઓ ક્ષેત્રોમાં મધ્યમ વૃદ્ધિનો અંદાજ છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે 2025-26 દરમિયાન નોમિનલ જીડીપી અથવા વર્તમાન ભાવે જીડીપી 8 ટકા વધવાનો અંદાજ છે. આગોતરા અંદાજોમાંથી ડેટાનો ઉપયોગ કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં થાય છે જે 1 ફેબ્રુઆરીએ રજૂ થવાની સંભાવના છે.
રોકાણ-પ્રેરિત વૃદ્ધિ આર્થિક તેજીનું મુખ્ય ચાલકબળ હતું. નાણાકીય વર્ષ 2026 માં ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન (GFCF) 7.8% વધવાનો અંદાજ છે, જે પાછલા વર્ષના 7.1% થી વધુ છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પર વ્યવસાયો દ્વારા વધુ ખર્ચ દર્શાવે છે.
નીતિગત ફેરફારોને કારણે માંગમાં વધારો થવામાં સરકારી પગલાંઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે . વૈશ્વિક પરિસ્થિતિઓ અનિશ્ચિત રહી હોવા છતાં આવકવેરા રાહત અને GST દરોને તર્કસંગત બનાવવાના નિર્ણયથી ગ્રાહક માંગમાં વધારો થયો છે. જ્યારે વૈશ્વિક વેપાર તણાવ અને ટેરિફ પડકારોએ નિકાસની સંભાવનાઓને અસર કરી છે, ત્યારે મજબૂત સ્થાનિક માંગએ આ અસરને ઘટાડવામાં અને વૃદ્ધિને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી છે.