શહેરના પરવટ પાટિયા વિસ્તારના એક મોલમાં ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ છે. લંડનના ઈશારે બનેલી આ લેબોરેટરીમાં ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સનું ઉત્પાદન કરાતું હતું. સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ્સની આ સિક્રેટ ફેક્ટરીમાં દરોડા પાડી ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલાં અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમ્મરની કબૂલાતના આધારે પરવટ પાટિયાના પોલારિસ શોપિંગ સેન્ટરની લેબમાં દરોડા પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેક્નિશિયન સહિત 3 શખ્સને ઝડપી પાડ્યા છે.
લંડનમાં માસ્ટર માઈન્ડ
ડ્રગ્સની લેબ કહો કે ફેક્ટરી તેનું લંડન કનેક્શન ખુલ્યું છે. આ સ્કેમનો માસ્ટર માઈન્ડ લંડનમાં છે. લેબનો માલિક જનક જાદાણી લંડનમાં બેઠો છે. તેના ઈશારે અને તેના જ ફાયનાન્સથી ઝેરનું ઉત્પાદન થતું હતું. તે લંડનથી નેટવર્ક ઓપરેટર કરતો હતો. લંડનથી જ લેબ માટે જરૂર નાણાકીય સહાય મોકલતો. ત્યાંથી જ ગાઈડન્સ આપતો હતો. વિદેશમાં બેઠાં બેઠાં સુરતના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું કાવતરું એસઓજીએ ખુલ્લું પાડ્યું છે. પોલીસે 2.92 લાખનો મુદ્દામાલ, તૈયાર ડ્રગ્સ અને જ્વલનશીલ કેમિકલ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેવી રીતે ડ્રગ્સની લેબનું પગેરું મળ્યું?
ગઈ તા. 1 જાન્યુઆરી 2026ના રોજ સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપે અમરોલી છાપરાભાઠા રોડ પરથી 21 વર્ષીય જીલ ઠુમ્મરને 236.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હતો. જીલની પૂછપરછ દરમિયાન ડ્રગ્સની ફેક્ટરીનું પગેરું મળ્યું હતું. જીલ પાસે જે ડ્રગ્સ હતું તે બહારગામથી આવ્યું નહોતું, પરંતુ તેનું સુરતમાં જ ઉત્પાદન થયું હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવતા તાત્કાલિક એસઓજીએ રેડ પ્લાન કરી સિક્રેટ ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો.
ફૂડ ટેસ્ટિંગની આડમાં લેબમાં સિક્રેટ ડ્રગ્સ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરી ધમધમતી
લેબનું ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલેટિકલ લેબોરેટરી રાખવામાં આવ્યું હતું. આ લેબ પર એસઓજીએ રેડ કરી હતી. લેબની અંદરથી પોલીસને આધુનિક મશીનરી અને કેમિકલ્સ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ તૈયાર કરવા માટે થતો હતો. ફૂડ ટેસ્ટિંગના નામે ચાલતી લેબ વાસ્તવમાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હોવાનું બહાર આવ્યું હતું.