તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાંથી નરેગા સંબંધિત કાગળો નાશ કરાયા હોવાની ચર્ચા
(પ્રતિનિધિ), દેવગઢબારિયા | તા. ૦૭
દેવગઢબારિયા તાલુકામાં ચાલી રહેલા કથિત નરેગા (MGNREGA) કૌભાંડના માહોલ વચ્ચે તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાંથી મહત્વના સરકારી દસ્તાવેજો સળગાવવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. ખાસ કરીને નરેગા યોજના સંબંધિત દસ્તાવેજો નાશ કરાયા હોવાની ચર્ચા વચ્ચે સરકારી તંત્રની કામગીરી, પારદર્શકતા અને જવાબદારી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દેવગઢબારિયા તાલુકા પંચાયતમાં સંગ્રહિત નરેગા સહિતના વિવિધ વિભાગોના બિલ, વાઉચર, હિસાબી નોંધો અને અન્ય મહત્વના રેકોર્ડ બહાર કાઢી ખુલ્લી જગ્યામાં એકત્ર કરી આગ ચાંપવામાં આવી હતી. ચર્ચા છે કે આ સમગ્ર પ્રક્રિયા કોઈ સ્પષ્ટ મંજૂરી અથવા નિર્ધારિત નિયમિત કાર્યવાહી વિના કરાઈ હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.
નરેગા યોજના અંતર્ગત અગાઉથી જ ગેરરીતિઓ અને કૌભાંડ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આવા સમયે દસ્તાવેજો સળગાવવાની ઘટના સામે આવતા લોકોમાં શંકા ઉઠી છે કે “કોઈ પુરાવા નષ્ટ કરવા માટે તો આ કાર્યવાહી કરવામાં આવી નથી ને?” સરકારી દસ્તાવેજોના નિકાલ માટે નિશ્ચિત નિયમો અને માર્ગદર્શિકા હોવા છતાં તેનું પાલન થયું કે નહીં તે બાબતે તપાસની માંગ ઉઠી રહી છે.
આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગ દ્વારા સરકારી તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા જવાબદાર અધિકારીઓ પાસેથી તાત્કાલિક સ્પષ્ટતા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા પારદર્શક તપાસની માંગ કરવામાં આવી રહી છે.
આ મામલે દેવગઢબારિયા તાલુકા વિકાસ અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ખૂબ લાંબા સમયથી જૂના દસ્તાવેજો પર ઉતરી (ઘુસ) લાગી જવાથી તે ખરાબ થઈ ગયા હતા. અન્ય દસ્તાવેજોને નુકસાન ન પહોંચે તે માટે ખરાબ થઈ ગયેલા દસ્તાવેજોનો નિયમસર નિકાલ કરવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે.
તેમ છતાં, કથિત નરેગા કૌભાંડની ચર્ચા વચ્ચે આ ઘટનાએ સરકારી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે અને હવે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય છે કે નહીં, તેની તરફ સૌની નજર મંડાઈ છે.
રિપોર્ટર: નવીન સિક્લીગર