ગાંધીનગર: અમદાવાદ, સુરત સહિત રાજ્યનાં ચાર મોટાં શહેરોની કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને તા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી.
મંગળવારે સવારે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ધમકીભર્યો ઈ-મેલ મળતા તાત્કાલિક પોલીસે કોર્ટ કાર્યવાહી અટકાવીને સમગ્ર કોર્ટ પરિસરમાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી.
આ ઉપરાંત સુરત, ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટોમાં પણ ધમકીભર્યો ઈ-મેલ મળતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ કોઈ જ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી ન હતી.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ધમકીભર્યા ઈ-મેલ સરકારી કચેરીઓ, જુદી જુદી કોર્ટો, શાળાઓને મળી રહ્યા છે. આ ઈમેલ મોકલનાર શખ્સની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.