ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે શાબ્દિક યુદ્ધ, રાજકીય માહોલ બન્યો ‘હાઈ વોલ્ટેજ’
(પ્રતિનિધિ), વડોદરા | તા. 6
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રાજકારણ ફરી એકવાર ઉકળતા તાવ પર પહોંચ્યું છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધે રાજકીય વાતાવરણમાં તીવ્ર ગરમાવો પેદા કર્યો છે. વિકાસની વાતો કરતાં કરતાં મુદ્દો હવે આરોપ–પ્રત્યારોપ સુધી પહોંચી ગયો છે.
થોડા દિવસો પહેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વિના કરેલી ટીપ્પણી બાદ હવે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ વળતો પ્રહાર કર્યો છે. મધુ શ્રીવાસ્તવે પોતાના કાર્યકાળ દરમિયાન કરાયેલા વિકાસકાર્યો ગણાવતા જણાવ્યું હતું કે, નર્મદા વસાહતોમાં ડામરના રસ્તાઓ અને પાણી માટે હેડપંપ બનાવવાના કાર્યો તેમના સમયમાં થયા હતા.
પરંતુ વાત અહીં અટકી નહીં. મધુ શ્રીવાસ્તવે વર્તમાન ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ઓઇલ અને ડીઝલ ચોરીના આક્ષેપો હતા અને એક સમયે પાસા કેસમાં પકડાયા ત્યારે તેમને છોડાવવામાં પણ પોતે મદદરૂપ બન્યા હતા. આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે.
શાબ્દિક પ્રહારોના અંતે મધુ શ્રીવાસ્તવે વ્યંગાત્મક સલાહ આપતા કહ્યું હતું કે, “લોકોએ તમને બે વખત મત આપીને જીતાડ્યા છે, હવે રાજકીય નિવેદનબાજી કરતાં લોકોના કામ પર ધ્યાન આપો.”