Vadodara

મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે ક્રિકેટ કીટ મુદ્દે રાજકીય મેચ, શહેર પ્રમુખે થર્ડ અમ્પાયર બનવું પડ્યું

વડોદરા કોર્પોરેશનમાં ક્રિકેટ કીટ મુદ્દે વિવાદ

વડોદરા :;મહાનગરપાલિકાની ચૂંટાયેલી અને વહીવટી પાંખની ક્રિકેટ ટીમો ભાવનગર ખાતે યોજાનારી ટુર્નામેન્ટ માટે રવાના થઈ છે. પરંતુ મેચ શરૂ થવા પહેલાં જ ક્રિકેટ કીટની ખરીદી મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. આ મુદ્દે મેયર અને ડેપ્યુટી મેયર આમને–સામને આવી ગયા હતા અને અંતે મામલો શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાવનગરમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કુલ 40 ખેલાડીઓ અને મેનેજર માટે કીટ ખરીદવાની હતી. મેયરે ખર્ચ નિયંત્રણ અને હોદ્દાની ગરિમા જળવાઈ રહે તે હેતુથી દરેક ખેલાડી માટે બે જોડી યુનિફોર્મ અને એક જોડી શૂઝ આપવાનું સૂચન કર્યું હતું.
પરંતુ ડેપ્યુટી મેયર દ્વારા આ સૂચનને અવગણીને ત્રણ જોડી યુનિફોર્મ, બે જોડી શૂઝ અને વધારાની બેગ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે કોર્પોરેશન પર લાખો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ આવવાની શક્યતા ઊભી થતાં વિવાદ વકર્યો હતો.
મેયરના સૂચનની અવગણના કરીને ઉપરવટ નિર્ણય લેવાતા પક્ષની અંદર અસંતોષ જોવા મળ્યો હતો. અગાઉ પણ મેયરની હોદ્દાની ગરિમા જળવાતી નથી તેવી ફરિયાદો ઉચ્ચ સ્તરે પહોંચ્યાની ચર્ચા છે. હાલનો મામલો ગંભીર બનતા અંતે શહેર પ્રમુખે મધ્યસ્થી કરી પક્ષશિસ્ત અને ખર્ચ નિયંત્રણને ધ્યાને લઈ મેયરના સૂચન મુજબ જ ક્રિકેટ કીટ આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પણ પ્રેક્ટિસ દરમિયાન ચા–નાસ્તા અને અન્ય વ્યવસ્થાઓ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થયો હોવાનું મનાય છે. એક તરફ સામાન્ય જનતાના કરના પૈસાનો સદુપયોગ કરવાની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના પદાધિકારીઓ વચ્ચે ખર્ચ અને નિર્ણય પ્રક્રિયા મુદ્દે ઉભો થયેલો આ વિવાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બોક્સ
ગત વર્ષે ક્રિકેટ પાછળ ₹15.28 લાખનો ખર્ચ
કુલ ખર્ચ: પુરૂષ અને મહિલા ટીમ પાછળ કુલ ₹15.28 લાખ
ખાણી–પીણી:
6 દિવસની પ્રેક્ટિસ માટે ચા–નાસ્તા ₹84,250
5 દિવસના જમવા માટે ₹53,200
સાધન સામગ્રી:
ટ્રેકશૂટ, બેટ, બોલ અને અન્ય કીટ માટે બે એજન્સીઓને કુલ ₹13.91 લાખ ચૂકવાયા
આ તમામ વિગતો વચ્ચે હવે કોર્પોરેશનની અંદર નિર્ણય પ્રક્રિયા અને ખર્ચ પર નિયંત્રણ અંગે વધુ સ્પષ્ટતા અને જવાબદારીની જરૂરિયાત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top