Shinor

મિયાગામ–કરજણથી મોટીકોરલ અને ડભોઇ રૂટ પર ટ્રેન બંધ રહેતા જનતા હાલાકી ભોગવે છે

: પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવા પશ્ચિમ રેલવે વડોદરા DRMને આવેદન

શિનોર:
કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી મિયાગામ–કરજણથી મોટીકોરલ તથા મિયાગામ–કરજણથી ડભોઇ પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવા માટે મૂળનિવાસી એકતા મંચ દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા DRM કચેરીમાં લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષભાઈએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મિયાગામ–કરજણથી મોટીકોરલ પેસેન્જર ટ્રેન વર્ષો સુધી નિયમિત રીતે ચાલતી હતી અને આ ટ્રેન અનેક ગામોના લોકો માટે આશીર્વાદ સમાન હતી. આ ટ્રેન દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે, નોકરીયાત વર્ગ રોજગારી માટે, તેમજ ખેડૂત અને વેપારીઓ પોતાના કામ માટે સરળતાથી અપડાઉન કરી શકતા હતા.
પરંતુ કોરોના કાળ દરમિયાન આ પેસેન્જર ટ્રેન બંધ કરી દેવામાં આવી, જે આજદિન સુધી ફરી શરૂ કરવામાં આવી નથી. ટ્રેન બંધ થવાને કારણે સ્થાનિક લોકોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે અને તેનો સીધો પ્રભાવ ધંધા–રોજગાર પર પડ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે મિયાગામ–કરજણથી ડભોઇ નેરોગેજ લાઇન પર છેલ્લે તા. 15/07/2018ના રોજ અંતિમ ટ્રીપ ચાલી હતી. ત્યારબાદ નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થયા લગભગ અઢીથી ત્રણ વર્ષ થઈ ગયા છે અને હાલ આ રૂટ પર માલગાડીની અવરજવર શરૂ છે, છતાં પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મૂળનિવાસી એકતા મંચ દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા DRM કચેરીને લેખિત રજૂઆત કરી, મિયાગામ–કરજણથી મોટીકોરલ તથા મિયાગામ–કરજણથી ડભોઇ પેસેન્જર ટ્રેન વહેલામાં વહેલી તકે જાહેર જનહિતમાં શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top