Sports

”અમે BCCI સાથે વાત નહીં કરીએ”, T20 વર્લ્ડકપ પહેલાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની અવળચંડાઈ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને હાંકી કાઢવાથી હોબાળો મચી ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે તેની રાષ્ટ્રીય ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ સરકારે IPL ના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. BCB એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને પત્ર લખીને T20 વર્લ્ડ કપમાં તેની ટીમની મેચો શ્રીલંકામાં ખસેડવાની વિનંતી કરી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના પ્રમુખ અમીનુલ ઇસ્લામે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિને જોતાં બોર્ડ રાષ્ટ્રીય ટીમને ભારત મોકલવાનું સુરક્ષિત અનુભવતું નથી. પત્રકારો સાથે વાત કરતા અમીનુલ ઇસ્લામે કહ્યું, આ નિર્ણય લેતા પહેલા અમે બોર્ડના ડિરેક્ટરો સાથે બે બેઠકો કરી હતી. વર્તમાન પરિસ્થિતિને જોતાં અમે અમારી ટીમને ભારત મોકલવાનું સુરક્ષિત અનુભવતા નથી.

તેમણે જણાવ્યું હતું કે સુરક્ષા એ પ્રાથમિક ચિંતા છે, તેથી જ ICC ને પત્ર લખવામાં આવ્યો છે. અમીનુલ ઇસ્લામે કહ્યું, અમે ICC ને ઇમેઇલ મોકલીને અમારું વલણ સ્પષ્ટપણે જણાવ્યું છે. અમે હવે ICC ના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની સાથે મળવાની આશા રાખીએ છીએ.

બીસીબીના પ્રમુખે એ પણ સ્પષ્ટતા કરી કે આ એક આઈસીસી ઇવેન્ટ છે તેથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે આગળ કોઈ ચર્ચા થશે નહીં. અમે બીસીસીઆઈ સાથે સંપર્કમાં નથી, આગળની કાર્યવાહી આઈસીસીના પ્રતિભાવ પર નિર્ભર રહેશે.

નોંધનીય છે કે બીસીસીઆઈના નિર્દેશો પર કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) એ મુસ્તફિઝુર રહેમાનને તેમની ટીમમાંથી મુક્ત કર્યા પછી આ વિવાદ શરૂ થયો.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ નિર્ણયને “તાજેતરના ડેવલપમેન્ટ” સાથે જોડ્યો. એ નોંધનીય છે કે તાજેતરના મહિનાઓમાં ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ વધ્યો છે. ઓગસ્ટ 2024 માં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સત્તા પરથી રાજીનામું આપીને ભારત પરત ફર્યા પછી પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ત્યારબાદ થયેલા વિરોધ પ્રદર્શનોમાં અનેક વિદ્યાર્થીઓના મોત થયા અને લઘુમતી હિન્દુઓ પર હુમલાના અહેવાલો મળ્યા.

શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં કોલકાતામાં ત્રણ અને મુંબઈમાં એક મેચ રમશે. બાંગ્લાદેશ ગ્રુપ C માં છે અને તેનો પહેલો મેચ 7 ફેબ્રુઆરીએ ઇડન ગાર્ડન્સ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ત્યારબાદ બાંગ્લાદેશનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ઇટાલી અને નેપાળ સામે થશે.

T20 વર્લ્ડ કપ 2026 ગ્રુપ મેચો (બાંગ્લાદેશી ટીમ)
07 ફેબ્રુઆરી, વિ વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા
09 ફેબ્રુઆરી, વિ ઇટાલી, કોલકાતા
14 ફેબ્રુઆરી, વિ ઇંગ્લેન્ડ, કોલકાતા
17 ફેબ્રુઆરી, વિ નેપાળ, મુંબઈ

Most Popular

To Top