માનવ જીવન હવા, પાણી અને ખોરાક દ્વારા શરીરને પોષણ મળે તે જ ટકી શકે ખોરાક પ્રવાહી કે ઘન સ્વરૂપનો હોઈ શકે. અધૂરા ખોરાકથી કુપોષણ થાય,ખોરાક વિના ભૂખમરાથી મરી જવાય. હાનિકારક પદાર્થો વાળો ખોરાક જીવનભરખી જઈ શકે છે. ઓછું કે વધુ પ્રમાણમાં ખોરાક લેવાથી પણ નુકસાન થાય છે, શરીરને સમતોલ રાખવા ઉપવાસ ઉપાય બને છે. ક્યારેક જ બને તેવો બનાવ હાલમાં બન્યો છે. “ પોષતું તે મારતું “ એ ક્રમ દિસે કુદરતી, એવું સત્ય કહેવાયું છે, તે મુજબ સુરત-સચિનના એક શ્રમજીવીને જમતાં જમતાં મોત મળી ગયું.
ખોરાક જ તેને ભરખી ગયો. બાબુભાઈ સંચા-મશીનમાં મજૂરી કામ કરી પેટીયું રળતો હતો અને તેના દ્વારા પરિવારના સભ્યોનું ભરણપોષણ થતું હતું. ભૂખની તીવ્રતાને કારણે બાબુભાઈ ઝડપે ખોરાક આરોગી રહ્યા હતા ત્યારે જેમ અચાનક માર્ગ અકસ્માત થાય છે તેમ તેમના ગળાના માર્ગે ભોજન અકસ્માત થયો, ગળામાં ખાવાનું ફસાઈ ગયું શ્વાસ રૂંધાવા લાગ્યો ફસાઈ ગયેલા કોળીયા એ જીવલેણ હુમલો કર્યો. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ફરજ પરના ડોક્ટરે દર્દીને મૃત જાહેર કર્યો. આ રીતે ફરી સિધ્ધ થયું કે ‘‘પોષતું તે મારતું’’ જાણે બાબુભાઈનાં દાણા પાણી ખૂટી ગયાં.
ઝાંપાબજાર, સુરત – યુસુફ એમ ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.