જેમને કોવિડ-૧૯ થઇ ચુક્યો હોય તેવા મોટા ભાગના લોકોને આ વાયરસ ઓછામાં ઓછા છ મહિના માટે ફરી લાગવા સામે રક્ષણ મળી જાય છે ત્યારે ૬પ વર્ષથી વધુ વયના વૃદ્ધ લોકોને ફરી ચેપ લાગવાનો ભય વધારે હોય છે એમ લાન્સેટ જર્નલમાં પ્રગટ થયેલા એક નવો અભ્યાસ જણાવે છે.
ડેન્માર્કની સ્ટેટેન્સ સિરમ ઇન્સ્ટિટ્યુટના વૈજ્ઞાનિકો દ્વારા જેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું તે ડેટા દેશની રાષ્ટ્રીય કોવિડ-૧૯ ટેસ્ટિંગ વ્યુહરચનાના ભાગરૂપે ભેગો કરવામાં આવ્યો હતો, જેના હેઠળ વર્ષ ૨૦૨૦માં બે તૃતિયાંશ વસ્તી(ચાલીસ લાખ લોકો)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ૬પ વર્ષથી ઓછી વયના લોકોને પ્રથમ વખત ચેપ લાગ્યા બાદ આવા લોકોમાંથી ૮૦ ટકા જેટલા લોકોને ફરી ચેપ લાગવા સામે રક્ષણ મળતું જણાયું હતું જ્યારે જેઓ ૬પ વર્ષ કે તેથી વધુ વયના હતા તેમાંથી ફક્ત ૪૭ ટકાને જ ફરીથી ચેપ લાગવા સામે રક્ષણ મળતું જણાયું હતું. આનો અર્થ એ કે આ વયજૂથના લોકોને ફરી ચેપ લાગવાની શક્યતાઓ વધારે રહેલી છે.
જો કે વૈજ્ઞાનિકોએ એમ પણ જણાવ્યું હતું કે ફરીથી ચેપ લાગવા સામે રક્ષણ કઇ રીતે મળે છે તે અંગેના અભ્યાસોમાં વધુ વિશ્લેષણોની જરૂર છે કારણ કે કોવિડ-૧૯ના જુદા જુદા સ્ટ્રેઇન્સની બાબતમાં આ આંકડો જુદો જુદો હોઇ શકે છે.