ગોધરા: લોકશાહીની કરૂણતા એ છે કે ચૂંટણી પહેલા જે હાથ જોડીને, ગલીએ ગલીએ ફરીને “હું તો તમારો સેવક છું” નું રટણ કરતા હોય છે તે જ નેતાઓ સત્તાની ખુરશી પર બેસતાની સાથે જ બદલાઈ જાય છે. આજે રાજકારણમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે – કાર્યકરોનો ઉપયોગ અને પછી અવગણના. આવું જ કંઈક આજકાલ ગોધરામાં જોવા મળી રહ્યું છે.

ચૂંટણી સમયે જે નેતાને સામાન્ય મતદારના ઘરે ચા પીવામાં નાનમગોધરામાં નથી લાગતી તે જ નેતા ચૂંટાયા પછી કાર્યકરો કે નાગરિકોને મળવા માટે અચાનક “હાઈ-પ્રોફાઈલ” થઈ જાય છે. વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા પાયાના કાર્યકરો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે તેમને કલાકો સુધી રાહ જોવડાવવી અને છેલ્લે “મારે અચાનક બહાર જવાનું છે” કે “સાહેબ અત્યારે અગત્યની મીટીંગ અથવા કાર્યક્રમમાં છે” તેમ કહીને રવાના કરી દેવા, એ હવે નેતાઓની આદત બની ગઈ છે. શું સત્તા મળ્યા પછી સંવેદના મરી જાય છે?આજના નેતાઓ જમીન પર ઓછા અને સોશિયલ મીડિયા પર વધુ દેખાય છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રોજેરોજ હારતોરા પહેરતા, રિબિન કાપતા અને સ્ટેજ પર ભાષણ આપતા ફોટા મુકાય છે. પણ હકીકત એ છે કે આ ફોટાઓમાં ક્યાંય સામાન્ય જનતા સાથેનો જીવંત સંવાદ નથી હોતો. જનસંપર્ક માત્ર ‘ઈવેન્ટ’ અને ‘ફોટોગ્રાફી’ બનીને રહી ગયો છે.નેતાઓ એ ભૂલી જાય છે કે વૃક્ષ ત્યારે જ લીલુંછમ રહે છે જ્યારે તેના મૂળિયાં એટલે કે કાર્યકરો મજબૂત હોય. જો નેતાની આસપાસ માત્ર “હાજી હા” કરનારા લોકો જ રહેશે અને સાચા કાર્યકરોનું સ્વમાન ઘવાશે તો એ દિવસ દૂર નથી જ્યારે સત્તાની ઈમારત ડગમગી જશે.
આજે ગોધરાના ઘણા વિસ્તારોમાં મતદારો અને કાર્યકરોમાં એક “છૂપો રોષ” જોવા મળે છે. તેઓ અત્યારે ચૂપ છે પણ લોકશાહીમાં જનતાનું મૌન સૌથી મોટો જવાબ હોય છે. નેતાઓએ સમજવું જોઈએ કે ખુરશી કાયમી નથી, પણ સંબંધો અને વ્યવહાર કાયમી છે.