લિથુઆનિયાના વિઝા અપાવવાની લાલચ આપી એજન્ટે રકમ પડાવી, કારેલીબાગ પોલીસમાં ફરિયાદ
(પ્રતિનિધિ) વડોદરા, તા.4
વડોદરા શહેરમાં વિદેશ મોકલવાના નામે ઠગાઈના બનાવો સતત સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો માંડવી વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં ત્રણ મિત્રોને લિથુઆનિયા દેશના વિઝા બનાવી વિદેશ મોકલવાની લાલચ આપી એક એજન્ટે રૂ. 10.23 લાખની મસમોટી રકમ પડાવી લીધી હતી. જોકે, ન તો વિઝા બનાવાયા અને ન તો કોઈને વિદેશ મોકલવામાં આવ્યા, જેના પગલે પીડિત યુવકે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
માંડવીના ઘડિયાળી પોળ ભાટિયા શેરીમાં રહેતા અને પોર ખાતે વેરહાઉસમાં નોકરી કરતા નિલેશ ઠક્કરના પરિવારની ઓળખાણ રવિ રાજેન્દ્રકુમાર શેઠ (રહે. વિઠ્ઠલનગર, વાઘોડિયા રોડ) સાથે થઈ હતી. રવિ શેઠે પોતે “બ્લુ વિનસ કન્સલ્ટન્ટ” નામે વિઝા કન્સલ્ટન્સી ચલાવતો હોવાનું અને લિથુઆનિયામાં નોકરી માટે મોકલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
એજન્ટે નિલેશ ઠક્કર પાસેથી રૂ. 4 લાખ, તેના મિત્ર જગદીશ રાઠવા પાસેથી રૂ. 2.26 લાખ અને નરસિંહ રાઠવા પાસેથી રૂ. 2.46 લાખ મેળવી કુલ રૂ. 10.23 લાખ પડાવી લીધા હતા. લાંબો સમય પસાર થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા અને રૂપિયા પરત માંગવા છતાં ટાળટૂંકો જવાબ મળતા આખરે પીડિતોએ પોલીસનો આશરો લીધો છે.
કારેલીબાગ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.