Vadodara

યુવકે સરકારી ફરજમાં રૂકાવટ કરી, ગાળો આપી, ઝપાઝપી કરી અને પરિવારજનોએ વર્દી ઉતારવાની ધમકી આપી, માર માર્યા પછી પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી

વડોદરામાં ખાખીનો ‘સત્યાગ્રહ’!
ઢોર મારનો વીડિયો નહીં, હવે કાગળો બોલશે…
વડોદરા, તા. 4
વડોદરામાં ટ્રાફિક પોલીસ દ્વારા બુલેટ ચાલક યુવક પર થયેલા અમાનુષી અત્યાચાર બાદ હવે આખું પ્રકરણ “કાયદાની ચોપડી”માં ફેરવી દેવાનો પ્રયાસ શરૂ થયો છે. રસ્તા પર લાતો, કચેરીમાં લાકડીઓ અને શરીર પર લાલ ચકામા—આ બધું તો ગૌણ થયું; હવે મુખ્ય મુદ્દો એ છે કે યુવક પાસે નંબર પ્લેટ નહોતી, મોડીફાઇ સાઇલેન્સર હતું, લાયસન્સ નહોતું અને તેણે ખાખીને ચાવી ન આપી! એટલે કે, ઢોર માર ખાવાનો ‘કાનૂની હક’ તેણે જાતે કમાઈ લીધો—એવો લુલો બચાવ ઉચ્ચ અધિકારીઓ તરફથી સામે આવ્યો છે. પોલીસે પોતાના બચાવમાં વીડિયો અને એસએસજી હોસ્પિટલના ડોક્ટરના યુવકને ” ગંભીર” ઇજા થઈ નહીં હોવાના રિપોર્ટ પણ જારી કર્યા છે. B

વડોદરા નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે ઉભેલા યુવકને પહેલા રોકાયો, પછી રકઝક, પછી ઝપાઝપી અને અંતે સયાજીગંજ ટ્રાફિક કચેરી સુધી ખેંચી લઈ જવામાં આવ્યો. યુવકના શરીર પર પડેલા લાલ ચકામા, પ્રાઇવેટ પાર્ટમાં થયેલી ઇજાઓ અને એસએસજીમાં કરાવેલી સારવાર—આ બધું જાણે અકસ્માતે થઈ ગયું હોય તેમ અધિકારીઓ કહે છે કે “કોઈ ગંભીર ઇજા દેખાતી નથી”. કદાચ હવે ગંભીર ઇજા માપવાનું મીટર પણ ટ્રાફિક શાખા પાસે જ હશે! સામે ઝપાઝપીમાં કોન્સ્ટેબલના હાથમાં થયેલો ઊઝરડો જાણે બહુ મોટો હોય તેવું ચિત્ર ઊભું કરાયું છે.

ટ્રાફિક પોલીસની ફરિયાદ મુજબ યુવકે સરકારી ફરજમાં રૂકાવટ કરી, ગાળો આપી, ઝપાઝપી કરી અને પરિવારજનોએ વર્દી ઉતારવાની ધમકી આપી. એટલે આખું પલડું હવે એક તરફ—યુવક આરોપી, પોલીસ પીડિત! રસ્તા પર લાકડી કોણે ચલાવી? કચેરીમાં લાતો કોણે મારી? એ પ્રશ્નો હવે ફાઇલના તળિયે દફન થઈ ગયા છે.

ડીસીપી ઝોન-2 દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં પણ “કાયદાકીય ભંગ”નું રટણ છે—નંબર પ્લેટ નથી, સાઇલેન્સર મોડીફાઇ છે, લાયસન્સ નથી. એટલે હવે ચર્ચા એ નથી કે ટ્રાફિક પોલીસે સીમા વટાવી કે નહીં, ચર્ચા એ છે કે કેટલા ગુના ઠોકી શકાય! યુવકના ભાઈ સામે કેટલાક ગુના હોવાનું પણ પોલીસે રટણ કર્યું હતું.
આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે—વડોદરામાં કાયદો રસ્તા પર ચાલે છે કે લાકડી પર? ટ્રાફિક નિયમ તોડ્યા હોય તો દંડ છે, મેમો છે, કોર્ટ છે. પરંતુ શું દરેક ઉલ્લંઘનનો જવાબ ઢોર મારથી આપવો એ નવી ટ્રાફિક પોલિસી બની ગઈ છે?
આજે યુવક આરોપી બનાવાયો છે, કાલે કોઈ સામાન્ય નાગરિક બનશે. ફરક એટલો જ રહેશે કે લાકડી કોના હાથમાં છે.
ખાખીનું સન્માન કાયદાથી થાય છે, લુલા બચાવથી નહીં—આ વાત કદાચ ફાઇલોમાં નથી લખાયેલી.

આજે પોલીસની વાતોમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો, એક તરફ ડીસીપી વણઝારાએ યુવાન સાથે માત્ર સામાન્ય ઝપાઝપી થઈ હોવાનું કહ્યું જ્યારે એસીપી વ્યાસે યુવકને દંડાં માર્યાનું કબૂલ્યું હતું, હવે સાચું કોણ એ તો કોર્ટ જ નક્કી કરશે. .

ફરિયાદની સંક્ષિપ્ત વિગતો
ફરિયાદી (Complainant):
કિરણભાઈ ગોબરભાઈ જોગદીયા
(પદ: પોલીસ કોન્સ્ટેબલ, ટ્રાફિક પશ્ચિમ શાખા, વડોદરા)
આરોપી (Accused):
કૌશલ વિરેન્દ્રસિંહ જાટ
રહે. આમ્રપાલી રેસીડન્સી, બાજવા રોડ, વડોદરા
ઘટનાસ્થળ:
નર્સિંગ હોમ ચાર રસ્તા, વડોદરા
પછી સયાજીગંજ ટ્રાફિક શાખાની કચેરી
ઘટનાની તારીખ:
3 જાન્યુઆરી
ફરિયાદનો મુદ્દો:
*બુલેટ મોટરસાયકલ પર આગળ-પાછળ નંબર પ્લેટ ન હોવી
* મોડીફાઇ સાઇલેન્સર લગાવેલું હોવું
*ડ્રાઇવિંગ લાયસન્સ તથા વાહનના દસ્તાવેજ ન હોવા
*ટ્રાફિક પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ
*પોલીસ સાથે ઝપાઝપી, બોલાચાલી અને ગાળો બોલવી
પોલીસ અધિકારી અને કર્મચારીઓને વર્દી ઉતારી દેવાની ધમકી
પોલીસ કાર્યવાહી:
આરોપી વિરુદ્ધ ટ્રાફિક નિયમોના ભંગ અને સરકારી ફરજમાં રૂકાવટ સહિત ચારથી પાંચ કલમ હેઠળ ગુનો નોંધાયો
રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

Most Popular

To Top