Kalol

દેલોલ શાહી સતલુજ ધાબા નજીક હાઇવે પર ટ્રેલર-મોટરસાયકલ અકસ્માત

ચાઈનીઝ લારી સંચાલકને માથામાં ગંભીર ઇજા
(પ્રતિનિધિ) કાલોલ
કાલોલ તાલુકાના દેલોલ ગામ નજીક શાહી સતલુજ ધાબા પાસે હાઇવે પર ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે મોટરસાયકલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાલોલ ફૂડ ઝોનમાં ચાઈનીઝ લારી ચલાવતા દીપકભાઈ પ્રતાપભાઈ રાજપુતને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા લાંબી સારવારનો સામનો કરવો પડ્યો છે.
ફરિયાદ મુજબ, ગત 7 નવેમ્બરનાં રોજ રાત્રિના સમયે દીપકભાઈ કાલોલથી ગોધરા તરફ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન શાહી સતલુજ ધાબા નજીક હાઇવે પર પાછળથી આવતાં ટ્રેલર નંબર RJ-09-GB-6620 ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે દીપકભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતા અને તેમને માથા, ડાબા હાથ તથા ડાબા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર હોવાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં બ્રેન હેમરેજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ફરી ઓપરેશન કરવું પડ્યું હતું.
આ સમગ્ર મામલે ઇજાગ્રસ્તના પુત્રી રીમાબેન દીપકભાઈ રાજપુતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાઇવે પર ભારે વાહનોની બેફામ ગતિ અને બેદરકારીને કારણે આવા અકસ્માતો વધી રહ્યા હોવાની ચિંતા સ્થાનિકોમાં વ્યાપી છે.

Most Popular

To Top