હાલોલ:
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે હાલોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવતા પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જયદ્રથસિંહ પરમાર, છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગીતાબેન રાઠવા, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પંચમહાલ લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત જિલ્લાના સ્થાનિક ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો દ્વારા પ્રદેશ સંગઠનના નવ નિયુક્ત ઉપપ્રમુખ જયદ્રથસિંહ પરમારનું પરંપરાગત રીતે સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પંચમહાલ જિલ્લામાં ભાજપને મજબૂત બહુમતી અપાવવા માટે તમામ કાર્યકરો એકજુટ થઈને મેદાનમાં ઊતરશે તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે વરણી થતા બંને નેતાઓએ પ્રદેશ તેમજ કેન્દ્રના ભાજપ સંગઠનના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંગઠનની જવાબદારીને પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ, હાલોલ