હરણી એરપોર્ટ નજીકના અકસ્માતે પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
વડોદરા: શહેરમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હોવાની વધુ એક કરુણ ઘટના સામે આવી છે. શહેરના એરપોર્ટ નજીક પાર્ટીપ્લોટ પાસે થ્રી વ્હીલર ટેમ્પો પલટી ખાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા શ્રી સિદ્ધનાથ પ્લેનેટમાં રહેતા અને ખાનગી નોકરી કરતો મયુરકુમાર રાજેશભાઈ રાણા (ઉં.વ. 31) ગત તા. 2 જાન્યુઆરીના રોજ સવારે પોતાના મિત્ર સાથે થ્રી વ્હીલર ટેમ્પોમાં મુસાફરી કરી રહ્યો હતો. એરપોર્ટ નજીક આવેલા પાર્ટીપ્લોટ પાસે અચાનક ટેમ્પો પલટી ખાતા મયુરકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વીઆઇપી રોડ કારેલીબાગ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. સયાજી હોસ્પિટલના SICU ઓર્થો બી યુનિટમાં સારવાર દરમિયાન આજે સવારે મયુરકુમારનું મોત નીપજ્યું હતું. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટેમ્પો ચાલતી વખતે મિત્ર સાથે મજાકમાં સ્ટિયરિંગ ખેંચાતા વાહનનું સંતુલન બગડ્યું હતું અને ટેમ્પો પલટી મારી યુવક ઉપર પડતા ગંભીર ઇજાઓ થઈ હતી.
આ બનાવ અંગે હરણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં વધતા અકસ્માતોને લઈ ફરી એકવાર વાહનચાલકો માટે સાવચેતી અને જવાબદારી જરૂરી બની છે.