અમરેલીના ભાજપ ઉપાધ્યક્ષના પુત્ર રવિ પાનસુરીયા ગુમ થવાનો મામલો વધુ ગંભીર
પ્રતિનિધિ | વડોદરા | તા. 3
અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાના પુત્ર રવિ પાનસુરીયા ગુમ થવાનો મામલો દિનપ્રતિદિન વધુ ગૂંચવણભર્યો બની રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસને કારણે રવિ ગુમ થયો હોવાનો આક્ષેપ જે દિક્ષિત પટેલ સામે કરવામાં આવ્યો છે, તે દિક્ષિત પટેલે વડોદરામાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર ખુલાસા કર્યા છે.
મને ફસાવવા માટે સ્યુસાઇડ નોટમાં મારું નામ લખાયું’
દિક્ષિત પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રવિ પાનસુરીયાએ એફઆઇઆરથી બચવા અને તેમને ફસાવવા માટે જ સ્યુસાઇડ નોટમાં તેમનું નામ લખ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, પોતે કોઈ વ્યાજખોર નથી તેમજ રવિને કોઈ પ્રકારની ધમકી કે ઉઘરાણી કરવામાં આવી નથી.
કરોડોની છેતરપિંડીનો ગંભીર આક્ષેપ
દિક્ષિત પટેલે આરોપ મૂક્યો છે કે, રવિ પાનસુરીયા અને તેમના પિતા સુરેશ પાનસુરીયાએ મળીને તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. વડોદરાના સિદ્ધાર્થ પેરેડાઇઝ અને સિદ્ધેશ્વર પેરેડાઇઝ પ્રોજેક્ટમાં તેમણે રૂ. 6.83 કરોડનું રોકાણ કર્યું હતું, જે મિલ્કત સુરેશ અને રવિ પાનસુરીયાએ ખોટી સહીઓ કરીને વેચી નાખી હોવાનું તેમણે જણાવ્યું.
હરણી પોલીસ મથકમાં અરજી
દિક્ષિત પટેલે જણાવ્યું કે, આ મામલે તેમણે હરણી પોલીસ મથકમાં સુરેશ પાનસુરીયા અને રવિ પાનસુરીયા વિરુદ્ધ લેખિત અરજી પણ કરી હતી. રવિ પાસેથી પોતાના રૂપિયા પરત લેવા માટે વારંવાર માંગ છતાં પૈસા પરત ન મળતા આ વિવાદ વધુ વકર્યો હતો.
વ્યાજખોરીના આરોપોને નકાર્યા
દિક્ષિત પટેલે જણાવ્યું કે, તેમણે કોઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધા નથી અને વ્યાજ માટે કોઈને ધમકી પણ આપી નથી. તેમના જણાવ્યા અનુસાર, રવિએ જ તેમને ફસાવવા માટે સ્યુસાઇડ નોટમાં તેમનું નામ ઉલ્લેખ્યું છે.
રવિ પાનસુરીયા ગુમ થવાની પૃષ્ઠભૂમિ
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરે રવિ પાનસુરીયાએ સ્યુસાઇડ નોટ લખી ઘર છોડ્યું હતું, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયું છે. આરોપ છે કે, રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી કુલ રૂ. 11.25 કરોડ વ્યાજે લીધા હતા. જેમાંથી રૂ. 4.90 કરોડની મિલ્કત અને રૂ. 3.38 કરોડ આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા.
ઉઘરાણીનો વીડિયો થયો હતો વાયરલ
આરોપ મુજબ વ્યાજખોરોએ રૂ. 2.97 કરોડ સામે રૂ. 15 કરોડની ઉઘરાણી કરી હતી. આ પઠાણી ઉઘરાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુમ થયેલા રવિ પાનસુરીયાની શોધખોળ તેજ કરી છે.
પોલીસ તપાસથી ખુલશે સત્ય
ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો સામે વ્યાજખોરીના આરોપો લગાવવામાં આવ્યા છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.