સાપુતારા : ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગ હેઠળ આવતા શામગહાન રેન્જમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન લહાનમાંળુગા ગામે પશુપાલક પર થયેલા જીવલેણ હુમલા બાદ વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરતા એક દીપડીને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.
અંદાજે બે-ત્રણ દિવસ પૂર્વે લહાનમાંળુગા ગામમાં પશુપાલક જ્યારે પોતાના પશુઓ સાથે હતો ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ, દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ. નિરજકુમારના સીધા માર્ગદર્શન હેઠળ શામગહાન રેન્જના આર.એફ.ઓ. ચિરાગભાઈ માછી અને તેમની ટીમે વ્યૂહાત્મક રીતે પાંજરા ગોઠવ્યા હતા. રાત્રિના અરસામાં, ખોરાકની શોધમાં નીકળેલી અંદાજીત દોઢ વર્ષની માદા દીપડી પાંજરામાં કેદ થઈ ગઈ હતી. જોકે, વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશુપાલક પર હુમલો કરનાર આ જ દીપડી છે કે અન્ય કોઈ દીપડો, તે બાબતે હજુ તપાસ ચાલી રહી છે.
લહાનમાંળુગાની ઘટનાની સાથોસાથ બાજુમાં આવેલા હુંબાપાડા ગામે પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક નિવૃત્ત ફોરેસ્ટરના ઘરમાં ગતરોજ એક કદાવર દીપડો ઘૂસી ગયો હતો. ઘરમાં દીપડો જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો, પરંતુ સદનસીબે દીપડાએ કોઈ પણ સભ્ય પર હુમલો કર્યો ન હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. એક તરફ દીપડી પાંજરે પુરાઈ છે, તો બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ દીપડાની અવરજવર દેખાતા વન વિભાગ હજુ પણ એલર્ટ મોડ પર છે.
શામગહાન રેન્જનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછી દ્વારા હુંબાપાડા અને લહાનમાંળુગા બંને ગામોમાં વધારાના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન કર્મીઓ દ્વારા રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગ્રામજનોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા અને પશુઓની સુરક્ષા માટે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.