( પ્રતિનિધિ )વડોદરા,તા.3
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – 3 ની આજે , 4 જાન્યુઆરીના રોજ પરીક્ષા યોજાશે. વડોદરામાં કુલ 15 બિલ્ડીંગ, 3 રૂટ અને 146 બ્લોકમાં 3488 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં 323 જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 માટેની પ્રાથમિક પરીક્ષા આજે યોજાશે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 માટેની પ્રાથમિક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ના વિસ્તારમાં તા.4 જાન્યુઆરીએ આજરોજ રોજ સવારે 11 કલાકથી બપોરે 1 કલાક દરમિયાન ગેરરીતિ કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઈરાદાથી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં. પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. ઉપરાંત નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ઉમેદવારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા આપી શકે તે પ્રમાણે વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.