વડોદરામાં ટ્રાફિક પોલીસનો ખાખી આતંક!
પ્રતિનિધિ | વડોદરા | તા. 3
વડોદરા શહેરમાં કાયદાના રક્ષક તરીકે ઓળખાતી ટ્રાફિક પોલીસ જ કાયદો તોડી રહી હોવાના ગંભીર આરોપો સાથે ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર બુલેટ પર પાછળ નંબર પ્લેટ ન હોવી અને મોડીફાય સાયલેન્સર લગાવવાના ગુનામાં એક યુવક પર ટ્રાફિક પોલીસે અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ થયો છે. યુવકને જાણે કોઈ આતંકવાદી હોય તેમ લાકડીઓથી ઢોર માર મારવામાં આવ્યો, વાનમાં ઘસડી લઈ જઈ ટ્રાફિક કચેરીમાં બંધ કરી પ્રાઇવેટ પાર્ટમાં લાતો મારી યાતના અપાઈ હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
દંડ ભરવા તૈયાર છતાં લાકડીઓથી માર
વડોદરા શહેરના બાજવા રોડ, આમ્રપાલી સોસાયટીમાં રહેતા કૌશલસિંહ વિજેન્દ્રસિંહ જાટ (ઉ.વ. 30) 3 જાન્યુઆરીના રોજ સવારના સમયે બુલેટ લઈને દાંડિયા બજાર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. અકોટા બ્રિજ શનિદેવ મંદિર પાસે સયાજીગંજ પશ્ચિમ વિભાગ ટ્રાફિક શાખાના ત્રણ પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવ્યા હતા. બુલેટ પર નંબર પ્લેટ ન હોવી અને મોડીફાય સાયલેન્સર હોવાનું જણાતા યુવકે દંડ ભરવાની તૈયારી બતાવી હતી, પરંતુ પોલીસ કર્મચારીઓએ ચાવી છીનવી લઈ રોફ ઝાડી માર મારવાનું શરૂ કર્યું હતું.
પોલીસ વાનમાં ઘસડી, કચેરીમાં યાતના
આક્ષેપ મુજબ ત્રણ પોલીસ કર્મચારીઓએ યુવકને જાહેર માર્ગ પર લાકડીઓથી માર મારતા પોલીસ વાનમાં ઘસડી બેસાડ્યો હતો. ત્યારબાદ સયાજીગંજ ટ્રાફિક શાખાની કચેરીમાં લઈ જઈ એક રૂમમાં બંધ કરી લાકડીના ફટકા માર્યા હતા. આટલેથી પણ સંતોષ ન થતા યુવકના પ્રાઇવેટ પાર્ટમાં લાતો મારી ગંભીર શારીરિક અને માનસિક યાતના અપાઈ હતી. યુવકના શરીર પર લાલ ચકામા પડી ગયા હતા અને ભારે દુખાવાને કારણે તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
માતા સાથે પણ ગેરવર્તન, ધક્કો માર્યાનો આરોપ
યુવકની માતાએ પણ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પુત્રનો ફોન આવતા તેઓ ગાડીના કાગળ લઈને સયાજીગંજ ટ્રાફિક કચેરી પહોંચ્યા હતા, પરંતુ પોલીસ અધિકારીઓએ તેમને પુત્રને મળવા દીધા નહોતા. ઉલટું તેમની સાથે ગેરવર્તન કરી ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ પડી ગયા અને હાથમાં ઇજા પહોંચી હતી.
“ઝાડ સાથે બાંધી ડંડાથી માર્યો” – ભોગ બનનારનો આરોપ
ભોગ બનનાર કૌશલસિંહે ઇજાથી કણસતા જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓએ તેમને ઝાડ સાથે બાંધી લાકડીઓથી માર્યા હતા. કચેરીમાં લઈ જઈ વાળ નોચી માર મારવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. માતાએ કચેરીમાં પોતાના પુત્રના વાળ પડેલા જોવા મળ્યા હોવાનું કહ્યું છે, જે બાદમાં પોલીસ દ્વારા સાફ કરી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ન્યાય મળશે કે મામલો દબાશે?
માત્ર ટ્રાફિક નિયમ ભંગના ગુનામા બર્બર અત્યાચાર કેટલો યોગ્ય છે? પ્રશ્ન એ છે કે શું યુવકને ન્યાય મળશે કે પછી ખાખી વર્ધીનો સહારો લઈ મામલો દબાવી દેવામાં આવશે? યુવકે માર મારનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારી બતાવી છે.
આ સમગ્ર ઘટનાએ વડોદરામાં પોલીસની કામગીરી અને માનવાધિકાર અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે જોવું રહ્યું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરે છે કે પછી ખાખીનો બચાવ થાય છે.
અમે ફરિયાદ નોંધી કાર્યવાહી કરીશું: એસીપી વ્યાસ
ટ્રાફિક એસીપી ડી એમ વ્યાસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં હું જાતે ગાડીમાં હતો, તે ગાડીને નંબર પ્લેટ ન હતી, મોડીફાઈડ સાઇલેન્સર હતું અને હેલ્મેટ પણ ન હતું અને મોબાઈલ પર વાત કરતો હતો. મેં મારા કમાન્ડોને તેની પાછળ બેસાડ્યો અને કાર્યવાહી માટે કહ્યું પરંતુ તે તું તારી કરતો હતો. યુવકને પોલીસનો કોલર પકડી લીધો હતો. પરંતુ તે વધુ ઉગ્ર બનતો હતો જેથી સયાજીગંજ લાવ્યા હતા અને ત્યારબાદ તેની માતા પિતા અને ભાઈ આવ્યો હતો અને તું તારી કરતા હતા. અમે તેની સામે ફરિયાદ નોધી કાર્યવાહી કરીશું.