બાકાત રખાયેલા વડોદરાનો ફરી સમાવેશ, પતંગરસિકોની નારાજગી દૂર કરવા સરકારનો મોટો નિર્ણય


વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલનો ઉત્સાહ જોવા મળશે. અગાઉ આયોજનમાંથી વડોદરાને બાકાત રાખવામાં આવતા પતંગરસિકોમાં નારાજગી જોવા મળી હતી, પરંતુ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીની સક્રિય રજૂઆતના પગલે હવે સરકારે વડોદરામાં પણ કાઈટ ફેસ્ટિવલ યોજવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત ટુરિઝમ દ્વારા જાહેર કરવામાં આવેલા કાઈટ ફેસ્ટિવલના લોકેશન્સમાં વડોદરાનું નામ ન હોવાથી સ્થાનિક પતંગબાજોમાં નિરાશા વ્યાપી હતી. આ બાબતની જાણ થતા જ સાંસદ ડો. હેમાંગ જોશીએ તાત્કાલિક અસરથી ગુજરાત ટુરિઝમ અને રાજ્ય સરકારને પત્ર લખીને વડોદરાની વર્ષોની પરંપરા જાળવી રાખવા રજૂઆત કરી હતી.
સાંસદે જણાવ્યું હતું કે વડોદરા એ ઉત્સવપ્રિય નગરી છે અને વર્ષોથી નવલખી મેદાન ખાતે દેશ-વિદેશના પતંગબાજો આ આયોજનમાં સહભાગી થતા આવ્યા છે. આ રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા વડોદરામાં કાઈટ ફેસ્ટિવલ યોજવા માટેની મૌખિક મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણયમાં શહેરના ધારાસભ્યો અને સ્થાનિક સંગઠનોએ પણ સમર્થન આપ્યું હતું.
હવે ગાંધીનગર સ્થિત ગુજરાત ટુરિઝમ વિભાગ અને વડોદરાના સ્થાનિક વહીવટી તંત્ર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલન સાધીને ટૂંક સમયમાં ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવશે. સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમાચારથી વડોદરાના પતંગરસિકો અને કાઈટ ક્લબ્સમાં ફરી એકવાર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.