પોશી પૂનમ નિમિત્તે કેક કાપી, શોભાયાત્રા, ગરબા અને મહાપ્રસાદનું આયોજન
પ્રતિનિધિ: સંખેડા |
સંખેડા બજારમાં આવેલા પ્રસિદ્ધ માં અંબાજી (જગદંબા) માતાના મંદિરે પોશી પૂનમના પાવન અવસરે માતાજીના પ્રાગટ્ય દિનની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે માતાજીને વિધિવત રીતે સોનાના ભવ્ય સિંહાસન પર બિરાજમાન કરવામાં આવતા સમગ્ર સંખેડા પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.

મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલા આ સોનાના સિંહાસન માટે અંદાજે 230 ગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો કુલ ખર્ચ આશરે રૂ. 35 લાખ થયો હોવાનું જાણવા મળે છે. સાથે સાથે મંદિરના રીનોવેશન માટે પણ અંદાજે રૂ. 55 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પોશી પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભાથુજી મહારાજના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં માઈભક્તોએ ભાગ લીધો હતો. બપોરના સમયે આનંદના ગરબા, અન્નકૂટના દર્શન તેમજ માતાજીના પ્રાગટ્ય દિનની ખુશીમાં કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાપ્રસાદનો લાભ લેવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

“બોલ માઁ અંબે”ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર— સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા