વડોદરા | તા. 3
વડોદરા શહેરમાં ફરી એક વખત પોલીસની કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતા દૃશ્યો સામે આવ્યા છે. સોમતળાવ વિસ્તારમાં જાહેર માર્ગ પર કેટલાક માથાભારે તત્વોએ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરતાં વિસ્તારમા અફરાતફરી મચી ગઈ હતી. પોલીસનો કોઈ ડર ન હોય તેમ દિવસદહાડે થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સોમતળાવ વિસ્તારમાં બે જૂથો વચ્ચે અચાનક ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બંને પક્ષે લાકડીઓ લઈને જાહેર રોડ પર આમને-સામને હુમલા કરવામાં આવ્યા હતા. મારામારી દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
વિડિયો વાયરલ થતાં ચકચાર
આ ઘટનાનો એક જાગૃત નાગરિકે મોબાઇલમાં વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે હુમલાખોરોને પોલીસ કે કાયદાનો કોઈ ડર નથી. જાહેર સ્થળે આવી રીતે કાયદો હાથમાં લેતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લોકો તરફથી ઉઠી રહી છે.
પોલીસ માટે પડકાર
વડોદરા શહેરમાં અવારનવાર જાહેરમાં મારામારી અને હિંસાના વીડિયો વાયરલ થવા લાગ્યા છે, જે પોલીસની કાયદો-વ્યવસ્થા માટે મોટો પડકાર બની રહ્યા છે. આ ઘટનાના પગલે પોલીસ દ્વારા જાહેરમાં હિંસા ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચર્ચા છે.
સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે કે આવા માથાભારે તત્વો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે, જેથી શહેરમાં ફરીથી કાયદો અને વ્યવસ્થાનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે.