Singvad

સિંગવડ તાલુકાના સિંગાપુર બસ સ્ટેશન ખાતે ખાનગી બસમાં મહિલાની સલામત પ્રસૂતિ


પ્રસૂતિ પીડા ઉપડતાં 108ની ટીમે સમયસર પહોંચીને બચાવ્યો જીવ
સિંગવડ:;સિંગવડ તાલુકાના સિંગાપુર ગામે માનવતા અને તાત્કાલિક સેવાઓનું ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. લક્ઝરી ખાનગી બસ દ્વારા બાસવાડાથી બરોડા જઈ રહેલી એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતાં બસમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિને ગંભીરતા સાથે સમજી બસના કંડકટરે તાત્કાલિક બસને સિંગાપુર બસ સ્ટેશન ખાતે ઉભી રાખી 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.
બાતમી મળતા સિંગવડ ખાતેથી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. 108ના પાયલોટ પ્રવીણભાઈ કટારા અને ઇએમટી વિનોદભાઈ પટેલે પોતાની કુશળતા અને ઝડપી કામગીરીથી બસ સ્ટેશન પર જ મહિલાની સલામત પ્રસૂતિ કરાવી હતી. માતા અને નવજાત બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
અચાનક પ્રસૂતિ જેવી પરિસ્થિતિમાં 108 ઇમરજન્સી સેવાની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકો અને મુસાફરોએ 108ની ટીમ તેમજ બસ કંડકટરની સમજદારી અને માનવતાની પ્રશંસા કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે 108 એમ્બ્યુલન્સ સેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા માટે કેટલી ઉપયોગી અને જીવનરક્ષક બની રહી છે.

Most Popular

To Top