સેફરોન સર્કલ પાસે મોપેડ સ્લીપ થતા યુવતી બસના પાછળના ટાયરમાં ફસાઈ; સામાન્ય ઈજા સાથે જાનહાનિ ટળી, અકસ્માત બાદ બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
વડોદરા:: શહેરના ફતેગંજ વિસ્તારમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. સેફરોન સર્કલથી પોલિટેકનિક તરફ જતા રસ્તા પર એક મોપેડ ચાલક યુવતીની ગાડી અચાનક સ્લીપ થઈને પસાર થઈ રહેલી વીટકોસ બસના પાછળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી. સદનસીબે બસ ચાલકે સમયસર બ્રેક મારતા યુવતીનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, અનુષ્કા નામની યુવતી પોતાની મોપેડ લઈને ફતેગંજ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સેફરોન ટાવર પાસે બસ સ્ટેન્ડ પરથી પેસેન્જર ઉતારીને આગળ વધી રહેલી વીટકોસ બસની બાજુમાં યુવતીનું મોપેડ અચાનક સ્લીપ થઈ ગયું હતું. મોપેડ બસના પાછળના ભાગે ફસાઈ ગયું હતું, જેને જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા. યુવતીને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

અકસ્માત બાદ યુવતી અને બસ ચાલક વચ્ચે વિરોધાભાસી નિવેદનો જોવા મળ્યા હતા. યુવતીના જણાવ્યા અનુસાર, બસ ચાલકે એકાએક બ્રેક મારતા તેની ગાડી સ્લીપ થઈ હતી. જ્યારે બીજી તરફ બસ ચાલકે જણાવ્યું હતું કે, તેઓ બસ સ્ટેન્ડ પરથી પેસેન્જર ઉતારીને ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા અને યુવતી સ્પીડમાં હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો.
વ્યસ્ત ગણાતા આ રસ્તા પર અકસ્માત થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક લોકોએ યુવતીની મદદ કરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.