સુરતઃ છેલ્લાં 35 દિવસથી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરા ગુમ થઈ છે. આ કેસમાં પોલીસની ઢીલી નીતિ સામે પાટીદાર સમાજમાં રોષ વ્યાપી ગયો હતો અને ગઈકાલે તા. 1 જાન્યુઆરીને ગુરુવારે રાત્રે પાટીદારોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પોલીસ દ્વારા કોઈ અસરકારક કામગીરી ન કરવામાં આવી હોઈ સમાજમાં રોષ હતો.
પાટીદાર સેવા સંઘની આગેવાનીમાં ગુરુવારે રાત્રે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે એક મિટિંગ મળી હતી, જે પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેના પગલે પોલીસ એલર્ટ થઈ હતી. ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા અને સુરત શહેર પોલીસ કમિશનરની સીધી સૂચનાને પગલે ગૂમ સગીરાનો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો.
ગૂમ થયેલી 17 વર્ષીય સગીરા સુરતમાં પોતાના કાકા સાથે રહેતી હતી. તેના માતા પિતા ગામડે રહે છે. સરથાણા પોલીસ મથક વિસ્તારની હદમાં રહેતી આ સગીરાનું 35 દિવસ પહેલાં અપહરણ થયું છે. આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગઈ કાલે તા. 1 જાન્યુઆરીએ યોગીચોકમાં એક મિટિંગ બોલાવાઈ હતી. તે મિટિંગમાં સર્વાનુમત્તે નક્કી કરાયું હતું કે, સરથાણા પોલીસ પાસે જવાબ માંગવામાં આવે.
પોલીસ તરફથી માત્ર આશ્વસન જ આપવામાં આવતા પાટીદારોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પાટીદાર અગ્રણી વિજય માંગુકીયાએ કહ્યું કે, સરથાણા પોલીસની બિનઅસરકારક કામગીરીના લીધે 35 દિવસથી પાટીદાર સગીરાનો પત્તો લાગ્યો નથી. તેથી જવાબ માંગવા આવ્યા હતા. આ મામે પાટીદાર શ્રેષ્ઠીઓએ મધ્યસ્થી કરતા હવે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ કેસ સરથાણા પોલીસ પાસેથી આંચકી લઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.
માંગુકીયાએ કહ્યું કે, દીકરીનું અપહરણ કરનાર આરોપીને પકડી તેનો વરઘોડો કાઢવામાં આવે તેવી અમારી માંગ છે. આ સાથે કેસમાં ઢીલું વલણ દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ.