SURAT

દારૂ પીને BMW અને મહિન્દ્રાની EV કાર વચ્ચે રેસ લગાવતા નબીરાઓનો ભયાનક અકસ્માત

નબીરાઓ બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રસ્તા પર દારૂ પીને બીએમડબ્લ્યુ અને મહિન્દ્રા જેવી કાર લઈને રેસ લગાવતા નબીરાઓની કારનો ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓ દ્વારા જોખમી રેસ લગાડવામાં આવી હતી. લોકોના જીવને જોખમમાં મુકે તે રીતે બીએમડબ્લ્યુ અને મહિન્દ્રાની મોંઘી લક્ઝરી કારો રસ્તા પર દોડાવી હતી.

દારૂ પીધેલા નબીરાઓને કોઈના જીવની પરવાહ ન હોય તેમ 150થી વધુની સ્પીડે કાર દોડાવી હતી. આખરે નબીરાઓની કાર વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ત્રણ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. લાઈટના પોલ પણ જડમૂળથી ઉખડી ગયા હતા.

BMW કારમાં એરબેગ સમયસર ખુલી જતાં તેના ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.પુરપાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઈટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે મનપાના ત્રણ પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. વેસુ પોલીસે કાપડના વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક કાર ચાલક ભાગી છૂટ્યો છે.

વધુમાં મળતી માહિતી અનુસાર 1 જાન્યુઆરી 2026ની રાત્રે દારૂ પીને 150 કિ.મી.થી વધુની ઝડપે મહિન્દ્રાની ઈલેક્ટ્રીક બીઈ-6 કાર દોડાવનાર કાપડનો વેપારી મંથન પટેલ પકડાયો છે. બીએમડ્બ્લ્યુ ચલાવી રહેલો ઝલક નામનો યુવક ભાગી છૂટ્યો છે. બીએમડબ્લ્યુ કારથી ઝલકે નિર્દોષ પરિવારની સ્વિફ્ટ કારને ટક્કર મારી હતી. તેના લીધે સ્વિફ્ટ કારના ટુકડા થઈ ગયા હતા. રેસિંગ દરમિયાન બીએમડબ્લ્યુમાં ઝલક સાથે ઋષિ નામનો યુવક પણ બેઠો હોવાનું જાણવા મળ્યું છે.

રેસિંગ દરમિયાન પૂરપાટ સ્પીડમાં દોડતી બીએમડબ્લ્યુ અને મહિન્દ્રાની કારે ઐશા જૈન નામની મહિલા ચાલકની કારને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઐશાબેનને ગંભીર ઈજા થઈ હતી. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોપી કાર ચાલક મંથન દારૂના નશામાં હતો. પોલીસે કેસ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top