વડોદરાની ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસરના મકાનમાંથી ચોરી થયેલો રૂ. 11.85 લાખનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ) વડોદરા, તા. 1
વડોદરા શહેરના તરસાલી સોમાતળાવ રિંગ રોડ વિસ્તારમાં રહેતા ખાનગી યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરીના બનાવમાં કામવાળી બાઈ અને ચોરાયેલા દાગીના ખરીદનાર ડભોઇના સોનીને પોલીસે ઝડપી પાડ્યા છે. મકરપુરા પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં રૂ. 11.85 લાખની ચોરીની માલમત્તા રિકવર કરવામાં આવી છે.
લગ્ન પ્રસંગે ખુલ્યો ભેદ
મારુતિધામ સોસાયટીમાં રહેતા પ્રોફેસર નિમિતા ચેતન ગુજર વાઘોડીયા સ્થિત પારૂલ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે. 24 ડિસેમ્બરે પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન પ્રથમ માળે બેડરૂમમાં મુકેલી લોખંડની તિજોરી તપાસતા ડ્રોઅર ખુલ્લા અને દાગીના ગાયબ હોવાનું જણાયું. તપાસમાં સોનાના દાગીના તથા રોકડ રૂ. 28 હજાર મળી કુલ રૂ. 6.11 લાખની ચોરી થયાનું બહાર આવ્યું.
કામવાળી બાઈ પર શંકા
ઘરે ચાર વર્ષથી કામ કરતી છાયા મનોજ બારીયા 31 ડિસેમ્બરે પ્રોફેસરની સોનાની વીટી પહેરીને આવી હતી. પૂછપરછ કરતા કોઈ જવાબ આપ્યા વિના જતી રહી હતી. ત્યારબાદ 5થી 24 ડિસેમ્બર વચ્ચે વૃદ્ધ સાસુ-સસરા ઘરમાં એકલા હોવાના સમયમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ.
ડભોઇના સોની સુધી પહોંચ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે છાયા બારીયાએ ચોરાયેલા દાગીના ડભોઇના સોનીને વેચી દીધા હતા. પોલીસે છાયા મનોજ બારીયાને ઝડપી પાડી તેની સાથે ડભોઇ જઈ અલ્પેશ સોનીની પણ ધરપકડ કરી.
રૂ. 11.85 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ. 28 હજાર સહિત કુલ રૂ. 11.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.