એક ગામમાં એક મહાત્માજી ભગવા પહેરી રોજ ગામના પાદરે આવેલા કૂવા ઉપર એક લોખંડની મજબૂત સાંકળથી પોતાનો પગ બાંધી અને ઊંધા કૂવામાં લટકે અને પછી ભગવાનનું નામ લે તેમની તપ કરવાની આ અનોખી રીત. તેઓ હંમેશા ગામવાળાઓને અને પોતાના શિષ્યોને કહેતા કે ‘જે દિવસે આ સાંકળ તૂટી જશે ત્યારે મને ભગવાન કૃષ્ણ આવીને બચાવશે અને મને ભગવાન મળી જશે.’ મહાત્માજી રોજ આમ તપ કરતા, તેમનું તપને જોઈને અનેક લોકો તેમને જોવા આવતા, ગામવાળાઓ તેમને નમન કરતા અને તેમની તપસ્યાને બધા વખાણતા.
ગામના એક અબૂધ ખેડૂતને થયું કે મહાત્માજી આટલું તપ કરે છે અને ભગવાનને મેળવવાની રાહ જુએ છે. મને પણ ભગવાન મેળવવા છે તો હું પણ મહાત્માજીની જેમ તપ કરું. ખેડૂત પોતાના જ ખેતરમાં આવેલા નાનકડા કૂવામાં જે દોરડાથી પાણી બહાર કાઢતા હતા તે દોરડા સાથે પગ બાંધી અને ઊંધો લટકીને ભગવાન કૃષ્ણનું નામ લેવા લાગ્યો. જે દોરડાના સહારે એક પગને બાંધી કૂવામાં ઊંધો લટકીને ખેડૂત ભગવાન કૃષ્ણનું નામ જપ કરતો હતો અને તે દોરડું રોજ પાણી કાઢવા માટે વપરાતું હતું એટલે ઘસાયેલું હતું. થોડી જ વારમાં દોરડું તુટ્યું અને ખેડૂત કૂવામાં પડ્યો. કૂવામાં પડ્યો ત્યારે તેને ભગવાન કૃષ્ણએ સાક્ષાત પ્રગટ થઈને પોતાના હાથમાં ઝીલી લીધો. ખેડૂત તો ધન્ય ધન્ય થઈ ગયો. સાક્ષાત ભગવાન કૃષ્ણને પોતાની સામે જોઈને ઘેલો ઘેલો થઈ ગયો, હસવું રડવું આનંદિત થવું તેને કંઈ જ સમજાયું નહીં. આંખોમાં આંસુ સાથે બે હાથ જોડીને બસતે પ્રભુને જોતો જ રહ્યો. જોતો જ રહ્યો અને રડતો રહ્યો.
થોડી વાર રહીને તે શાંત થયો પછી તેણે ભગવાનને પૂછ્યું, ‘પ્રભુ, આજે મારી તપસ્યાનો પહેલો દિવસ હતો અને પેલા મહાત્માજી તો વર્ષોથી આવી તપસ્યા કરે છે અને તમે મને આજે જ મળી ગયા અને પેલા મહાત્માજીને તો વર્ષો થયા તપ કરતા તમે હજી સુધી મળ્યા નથી આવું કેવું?’
પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘ભક્ત તે મારા પર ભરોસો મૂકીને ઘસાયેલુ દોરડું બાંધીને તું લટકી ગયો કે મારો કૃષ્ણ આવીને મને બચાવશે. પેલો મહાત્મા વર્ષોથી મારું નામ લે છે પણ તેને મારા કરતાં વધુ ભરોસો પેલી લોખંડની સાંકળ ઉપર છે તે રોજ બરાબર સાંકળ મજબૂત છે કે નહીં તે બરાબર તપાસીને પછી પગ બાંધીને કૂવામાં લટકે છે. તેનો ભરોસો સાંકળ પર હતો અને તારો ભરોસો મારા પર હતો એટલે હું તને મળી ગયો. ભક્તિમાં સમર્પણ સાચું હોવું જોઈએ, શરણાગતિ દિલથી હોવી જોઈએ તો પ્રભુ ક્ષણવારમાં મળી જાય છે નહીંતર વર્ષો સુધી નામ જપ કરતા રહો.
સાચી શ્રદ્ધા, સાચું સમર્પણ, સાચી શરણાગતિ વિના કૃષ્ણ મળતો નથી.