GANDHINAGAR : રાજ્યમાં બે વર્ષમાં સરકારી કોલેજો ( GOVERMENT COLLEGES) માંથી એમબીબીએસ ( MBBS) પાસ થયેલા ૨,૨૬૯ ડોકટરોને નિમણુંક કરવામાં આવી. નિમણુંક આપેલા ડોકટરોમાંથી માત્ર ૩૭૩ ડોકટરો જ ફરજ પર હાજર થયા, જ્યારે ૧,૭૬૧ ડોકટરો ફરજ પર હાજર ન થયા, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
ફરજ પર હાજર નહીં થયેલા, આવા ડોકટરો પાસેથી બોન્ડની રકમ વસુલવાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ તે માત્ર ૨૪૪ ડોકટરો પાસેથી જ માત્ર રૂ.૧૨ કરોડ ૮ લાખ ૫૦ હજાર વસુલવામાં આવ્યા છે. જિલ્લામાં ફરજ બજાવવાનો સરકારનો આદેશ થયેલા હોય તેવા ડોકટરો પાસેથી રૂપિયા ૮૩ કરોડ ૬૦ લાખ બોન્ડની રકમ વસુલવાની બાકી છે. રાજ્ય સરકાર સરકારી કોલેજોમાંથી મામુલી ફી ભરીને એમબીબીએસ ડોકટરોને જિલ્લાઓમાં સેવા આપવા ફરજ પાડીને હાજર પણ કરી શકતી નથી કે, સરકારની નીતિ મુજબ બોન્ડની રકમ પણ વસુલી શકતી નથી. ત્યારે આવા ડોકટરો ફરજના જિલ્લાઓમાં હાજર ન થતાં ગરીબોને સરકારી હોસ્પિટલમાં સેવા લેવા જાય ત્યારે ડોકટરો જ ઉપલબ્ધ હોતા નથી.
રાજ્યની છ સરકારી મેડીકલ કોલેજોમાં ૧,૧૦૯ જગ્યાઓ ખાલી છે, જ્યારે ભરાયેલી જગ્યાઓ પૈકી ૪૧૫ જગ્યાઓ કરાર આધારિત ફીકસ પગાર અને માનદ વેતનથી ભરાયેલી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. સરકારી મેડીકલ કોલેજોમાં પુરતી જગ્યાઓ ભરવામાં ન આવતી હોવાથી મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના ભણતર પર પણ અસર પડે છે.
રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોનું મંજૂર મહેકમ ૧,૫૧૩નું છે તે પૈકી ૮૪૧ નિષ્ણાંત તબીબોની જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે ૫૯૮ જગ્યાઓ ખાલી છે, એટલે ૪૦ ટકા નિષ્ણાંત તબીબની જગ્યાઓ ખાલી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. જિલ્લાની હોસ્પિટલોમાં ફુલટાઈમ સર્જન, પેથોલોજીસ્ટ, ફિઝિશિયન, ઓર્થોપેડીક સર્જન, ઓપ્થલ્મિક સર્જન, રેડિયોલોજીસ્ટ, બાળરોગ નિષ્ણાંત, ગાનેકોલોજીસ્ટ, એનેસ્થેટિસ્ટ, મનોરોગ ચિકિત્સક, ઈએનટી સર્જન, માઈક્રોબાયોલોજીસ્ટ, ટેન્ટલ સર્જન અને ડરમેટોલોજીસ્ટના નિષ્ણાંત ડોકટરો વગરની હોસ્પિટલો છે.