મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતી નિમિત્તે અનોખું આયોજન
વડોદરા |
બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વડોદરા શહેરમાં એક ઐતિહાસિક અને અદ્વિતીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મજયંતીને હજુ લગભગ એક મહિનો બાકી છે, તે પહેલાં જ સંસ્થાના બાળ બાલિકાઓ દ્વારા વિશ્વ શાંતિના સંદેશ સાથે નવતર કાર્યક્રમ યોજાવાનો છે.
આગામી રવિવારે સુરસાગર તળાવના પરિસરમાં માત્ર બાળકો દ્વારા વિશ્વ શાંતિ મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે, કેવળ બાળ બાલિકાઓ દ્વારા આયોજિત આ યજ્ઞમાં કુલ ૨૯૨ યજ્ઞ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ૧૨૯૨ બાળ પંડિતો સ્વયં પંડિતોની માફક યજ્ઞવિધિ કરશે અને કરાવશે. એકસાથે આટલી મોટી સંખ્યામાં યજ્ઞ કુંડ અને બાળ પંડિતો દ્વારા યજ્ઞ થવો એ એક અનોખો અને વિક્રમ સર્જક પ્રસંગ ગણાઈ રહ્યો છે.
આ વિશ્વ શાંતિ મહા યજ્ઞનો આરંભ કેન્દ્ર સરકારની મહિલા અને બાળ વિકાસ મંત્રી સાવિત્રીબેન ઠાકુર અને વડોદરાના મેયર પિન્કીબેન સોની દ્વારા કરવામાં આવશે. યજ્ઞની પૂર્ણાહુતિ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, ધારાસભ્ય યોગેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની તેમજ બીએપીએસ સંસ્થાના સદગુરુ સંત ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા કરાવવામાં આવશે.
આ મહાયજ્ઞ દ્વારા વિશ્વ શાંતિ, સદભાવના અને સંસ્કારના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેર માટે આ કાર્યક્રમ એક યાદગાર અને ઐતિહાસિક ક્ષણ બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.