પદ મેળવવા માટે દાવેદારો સક્રિય, ભલામણોનો દોર શરૂ
વડોદરા:
વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની નવરચના માટેની પ્રક્રિયા શરૂ થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. વડોદરા જિલ્લા સંગઠનમાં નવા હોદ્દેદારોની પસંદગી માટે આંતરિક ચર્ચાઓ તેજ બની છે. સંગઠનના મહત્વપૂર્ણ પદો માટે દાવેદારો ‘ગોડફાધર’ના શરણે જતા અને ભલામણો કરાવવાનો દોર શરૂ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દશિંત બ્રહ્મભટ્ટનું નામ આગળ ચાલી રહ્યું છે. જોકે, આ પદ માટે ધર્મેશભાઈ પંડ્યા (સંગઠનનો બહોળો અનુભવ), ઈન્દ્રજીતસિંહ (ક્ષત્રિય સમાજ), જયદીપસિંહ (કરજણ APMC), ગોપાલભાઈ રબારી, યોગેશભાઈ અધ્યારૂ, બિરેન પટેલ (અંકોડિયા) અને બી.જે. બ્રહ્મભટ્ટ જેવા નામો પણ ચર્ચામાં છે.
કોષાધ્યક્ષ પદ માટે જાણીતા ચહેરા દેવાભાઈ ઠાકોરનું નામ આગળ આવી રહ્યું છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે કિરીટસિંહનું નામ ચર્ચામાં છે, જેમણે પાર્ટીના કાર્યાલયની જમીન મેળવવામાં મહત્વનું યોગદાન આપ્યું હોવાનું કહેવાય છે.
જિલ્લા ભાજપના ભાવિ મહામંત્રી પદ માટે પણ અનેક દાવેદારો સક્રિય થયા છે. જેમાં સચીન પટેલ (શિનોર – સતીશ પટેલ જૂથ), જયદીપસિંહ (કરજણ APMC ચેરમેન), સુનીલ પટેલ, અશોક ગામેચી, ભાવેશ પટેલ (નડા), રાજુ અલવા, રાજુ દાઢી (વાઘોડિયા/જરોદ), રાજેશ પટેલ (રસિકભાઈ પ્રજાપતિની ફેક્ટરી જમીનના માલિક), રવિન્દ્રસિંહ દાઢી (પાદરા) તેમજ નિલેષ પુરાણી જેવા નામો પ્રબળ દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે. પાદરા ધાબળા કાંડ સાથે સંકળાયેલા ભાસ્કર પટેલનું નામ પણ ચર્ચામાં હોવાનું કહેવાય છે.
મહિલા મોરચાના પ્રમુખ પદ માટે મધુબેન સોલંકીનું નામ આગળ છે. જ્યારે યુવા મોરચામાં કૃણાલ જોશી અને સ્નેહલ પટેલ (છંછવા)ના નામો આગળ છે. ઉપરાંત, રસિક પ્રજાપતિના બે પુત્રોમાંથી ભાવેશ અથવા વિવેક—આમાંથી એક નામ ફાઈનલ થઈ શકે તેવી ચર્ચા સૂત્રોના હવાલે થી ચાલી રહી છે.
હાલમાં આ તમામ નામો ચર્ચાના સ્તરે છે, પરંતુ સંગઠનની નવરચનાને લઈને વડોદરા ભાજપમાં ભારે ગતિવિધિ જોવા મળી રહી છે. અંતિમ યાદી જાહેર થવા સુધી રાજકીય દાવપેચ અને ભલામણોની પ્રક્રિયા વધુ તેજ બનવાની શક્યતા છે. જોકે, કંઈક નવા જ નામ લાવીને ચોંકાવી દેવાની પરંપરા ભાજપ જાળવી રાખી ભાજપ કોઈ નવા જ ચહેરા લઈ આવે તો નવાઈ નહીં.