દાંપત્યજીવનનાં પચાસ વર્ષ પૂરાં થયાં. શ્રીમતીજીનો ‘ગુજરાતમિત્ર’ અખબાર પ્રત્યેનો પ્રેમ રોજેરોજની એની પ્રકટ થતી પૂર્તિનો લગાવ, વિશેષ નવા વર્ષમાં પ્રકટ થતું કેલેન્ડર એના પ્રતિનો આદર હજુ આજે પણ જેવો ને તેવો અકબંધ રહ્યો છે. એના હાથમાં જ્યારે કેલેન્ડર આવે છે ત્યારે એની આતુરતાનો અંત આવે છે. ચહેરા પર ખુશી આવી જાય છે. એનું મન પ્રસન્ન થઈ જાય છે. એના કારણે હું પણ ઉમંગ ઉત્સાહમાં આવી જાઉં છું. દર વર્ષે ઘર આંગણે આવતી આ અણમોલ ભેટ ‘ગુજરાતમિત્ર’ની બારે માસ યાદ અપાવે છે.
બેશક એની જેટલી તારિફ કરીએ એટલી ઓછી પડે. એની અંદર સમાવેલી વિવિધ ધર્મની જાણકારી અમારે મન બહુ કિંમતી છે. ઘરના સેવાખાનાની બરોબર બાજુમાં કેલેન્ડર ગોઠવાઈ જાય છે. વહેલી સવારની નિત્યક્રમ મુજબની પ્રવૃત્તિ પતી ગયા બાદ શ્રીમતજી સેવાખાનામાં ઈષ્ટદેવની પૂજા કરે છે. દીવો અગરબત્તી કર્યા બાદ નમન કરી કેલેન્ડર પર નજર મારી લેવી છે. શ્રીમતીજી મિત્રના કેલેન્ડર પ્રતિ બેહદ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. મહિના દરમિયાન આવતી ચોથ, અગિયારસ, પૂનમ, અમાસના વ્રત ઉપવાસ ધારણ કરે છે. ‘મિત્ર’ અખબારનું કેલેન્ડર એક ગોર મહારાજની ગરજ સારે છે. અમારા ઘરમાં હજુ આજે પણ ટેલિફોનની લેન્ડલાઈન જળવાઈ રહી છે.
દીકરીઓની, બહેનોની, અરસપરસ રહેતી ગૃહિણીઓની ચોઘડિયાની, તિથિ બાબતની પૂછપરછ આવે છે ત્યારે કેલેન્ડરમાં જોઈને સંપૂર્ણ સંતોષકારક જવાબ આપે છે ત્યારે એને પણ સંતુષ્ટી થાય છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તિથિ મુજબ એ એના ભાઈને ઘરે બોલાવે છે. વિધિ મુજબ ભાઈના હાથમાં રાખડી બાંધી ખુશ થાય છે. મનભાવન મિષ્ટાન ફરસાણ સાથેનું ભોજન જમાડે છે. શ્રીમતીજીની ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને ‘મિત્ર’ અખબાર પ્રત્યેની નિષ્ઠા, પ્રીતિ, દિનપ્રતિદિન વધતી જાય છે. મને એનો બેવડો આનંદ આવે છે.
ગોપીપુરા, સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.