એક રાજાને પોતાના ખાસ દાસ તરીકે બે નવા આવેલા ગુલામમાંથી પસંદગી કરવાની હતી. કોને પોતાનો ખાસ દાસ બનવવો તે નક્કી કરવા માટે રાજાએ બંનેને મળવાનું નક્કી કર્યું. એક ગુલામ દેખાવમાં એકદમ સુંદર હતો અને બીજો ગુલામ દેખાવે એકદમ કદરૂપો હતો. સૌથી પહેલા દેખાવમાં સુંદર ગુલામ રાજા પાસે આવ્યો. ખૂબ જ સરસ રીતે તૈયાર થઈને આવેલો તે ગુલામ અને ખૂબ જ મૃદુભાષી હતો એકદમ ધીમેથી ખૂબ જ વિનમ્રતાથી તેણે રાજા સાથે વાત કરી રાજાને લાગ્યું કે આ સુંદર છે દેખાવમાં અને વળી બુદ્ધિમાન અને બોલવામાં પણ વિનયવાળો છે.
હવે બીજા ગુલાબનો વારો આવ્યો, ગુલામ દેખાવમાં એકદમ કદરૂપો હતો. રાજાને તેનો દેખાવ ન ગમ્યો પણ રાજાએ વિચાર્યું કે માત્ર દેખાવ પરથી નિર્ણય ન લેવાય લાવ મને તેની પરીક્ષા લેવા દે. રાજાએ કદરૂપા ગુલામને કહ્યું, ‘હમણાં તારી પહેલા જે ગુલામ આવ્યો હતો તેણે તારી બહુ જ આલોચના કરી, તારા બધા અવગુણો મને ગણાવ્યા, તારી ખામીઓ મને કહી અને મને લાગે છે કે જો એ બધી ખામીઓ તારામાં હોય તો હું તને ગુલામ તરીકે રાજમહેલમાં નહીં રાખી શકું. ગુલામ બોલ્યો, ‘રાજાજી જેવી તમારી મરજી, જો તેણે કંઈક કહ્યું હશે તો મારામાં કોઈ દોષ કે ખામીઓ હશે કારણ કે આપણને આપણા દોષ ન દેખાય પણ સામેવાળાને આપણા દોષ દેખાય શકે અને તેને મારામાં અચૂક કંઈક કમી લાગી હશે એજ એણે તમને જણાવી હશે.’
રાજાએ તેને કહ્યું, ‘એ ગુલામની ખામીઓ તું મને જણાવ.’ કદરૂપો ગુલામ એક જ વાક્ય બોલ્યો, ‘રાજાજી, હું તો બધામાં સારું જોઈ શકું તો ગોતીને જોઉં છું બાકી કોઈની ખામીઓ પર ધ્યાન આપતો જ નથી એટલે મારા માટે તો તે બહુ જ સારો અને સાચો માણસ છે વધુ કંઈ નહીં કહું.’ રાજાએ તેને બહાર મોકલી દીધો પછી રાજા વિચાર્યું હવે પેલા સુંદર ગુલામની પરીક્ષા લેવી જોઈએ. તેમણે સુંદર ગુલામને ફરી અંદર બોલાવ્યો.
ફરી રાજાએ બોલાવ્યો એટલે તેને અભિમાન આવ્યું કે મને જ રાજા પોતાનો ખાસ દાસ બનાવશે. તેણે રાજાને જઈને નમન કર્યા. રાજાએ કહ્યું, ‘હમણાં જે ગુલામ આવ્યો હતો તેણે તારા વિશે બહુ જ કઠોર શબ્દ કહ્યા, તારી બધી ખામીઓ ગણાવી અને તારામાં જો આટલી બધી ખામી હોય તો તને આ રાજમહેલમાં કામ મળી શકશે નહીં.’ આ સાંભળીને જ સુંદર ગુલામે પિત્તો ગુમાવ્યો, તેનો ક્રોધ બહાર આવ્યો તેનું સાચું સ્વરૂપ દેખાયું તે અપશબ્દ બોલવા લાગ્યો. અત્યાર સુધી દેખાડેલી નમ્રતા અને મૃદુભાષીનું મહોરું તેણે પહેરી રાખ્યું હતું તે ઉતરી ગયું.’ રાજાએ સુંદરતા નહીં પણ ચરિત્ર જોઇને રાજાએ પોતાના ખાસ દાસ તરીકે કદરૂપા ગુલામને પસંદ કર્યો.